મોરબી શહેર અને જિલ્લામાં વ્યાજખોરોના વધતા આતંક વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મકનસર ગોકુલનગરમાં રહેતા 26 વર્ષીય અમીતભાઈ વિનોદભાઈ વાડોલીયાએ પોલીસે ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદ મુજબ અમીતભાઈએ આરોપી દીલીપભાઈ ઉર્ફે ભગવાનભાઈ વાલજીભાઈ તથા ઈમરાનભાઈ અને સાથે આવેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો પાસેથી રૂ. 2,50,000 વ્યાજે લીધા હતા. મુદલ રકમ પૂરતી ચુકવી દીધા બાદ પણ આરોપીઓએ પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. ફરીયાદી પાસેથી પહેલાં જ સહીવાળા બે ચેક લઈ રાખ્યા હતા જેમાંથી એક ચેક ઈમરાનભાઈને આપી ફરીયાદીની સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
આરોપીઓએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને બળજબરીથી રૂ. 30 લાખ રૂપિયા વસૂલ્યાનો આક્ષેપ નોંધાયો છે.
પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે BNS કલમ 308, 316(2), 352, 351(3), 54 તેમજ મની લોન્ડરીંગ એક્ટની કલમ 40 અને 42 હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

