હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપર ખેડુતો દ્વારા મુકેલી ઇલેક્ટ્રિક મોટરોની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો તેમજ ચોરીનો માલ લઈને વેચાણ કરતા ત્રણ ભંગાર વેપારીઓ સહિત કુલ ૬ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના સમયમાં ઝડપી લીધા છે. પોલીસે કુલ રૂ. 4,90,000 નો મુદામાલ કબજે કરી બે અનડિટેક્ટ મોટર ચોરીના ગુન્હાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે.
તા. 18 નવેમ્બર 2025ની રાત્રે હળવદ પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ ગુ.ર.નં. 1058/2025 અને 1059/2025 બી.એન.એસ. કલમ 303(2) હેઠળ ગુન્હાઓ નોંધાયા હતા, જેમાં સુસવાવ ગામની ગોરાસરી સીમમાં ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપરથી ખેડુતોની કુલ 12 ઇલેકટ્રીક મોટરો ચોરી થવાનો બનાવ બન્યો હતો. બંને ગુન્હાઓની તપાસ એલ.સી.બી. મોરબીને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ખાનગી બાતમી આધારે મોરબી માળીયા ફાટક પાસેના “નશીબ સ્ક્રેપ” ભંગારના ડેપોમાં દરોડો પાડ્યો હતો.
પકડાયેલા આરોપીઓમાં ચોરી કરનાર લોકોમાં કરણભાઈ મોતીભાઈ ટોળીયા (મોરબી-2), રોહીતભાઈ મુનાભાઈ ઝંઝુવાડીયા (મોરબી-2), સાગરભાઈ મગનભાઈ પરમાર (મોરબી-2) તેમજ ચોરીનો માલ રાખનાર લોકોમાં મંજુરહુસેન રહીમભાઈ ખુરેશી (કબીર ટેકરી, મોરબી), હરીલાલ વિરૂજી ગુર્જર (મહેન્દ્રનગર, મોરબી), જાવેદભાઈ અલારખાભાઈ સિપાઈ (રાજકોટ)ની સમાવેશ થાય છે.
ત્રણે મુખ્ય આરોપીઓ રાત્રિના સમયે કેનાલ વિસ્તારમાં ફરી ઇલેક્ટ્રીક મોટરો ચોરી કરતા અને પછી તેને તોડી તેના પાર્ટ્સ અલગ-અલગ ભંગાર વેપારીઓને વેચી નાંખતા હતા. પોલીસે 12 મોટરના તોડી કાઢેલા ભાગો (કોપર, એલ્યુમિનિયમ, લોખંડ વગેરે) રૂ.1,90,000, બોલેરો પીકઅપ GJ37T 2550 રૂ. 3,00,000, સહિત કુલ રૂ. 4,90,000 મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કામગીરીમાં કાર્યરત અધિકારીઓમાં પી.આઇ. એમ.પી. પંડયા, એલ.સી.બી. મોરબી, PSI બી.ડી. ભટ્ટ, એલ.સી.બી. મોરબી, PSI જે.પી. કણસાગરા, પેરોલ ફરલો સ્કવોડ, એલ.સી.બી. અને પેરોલ ફર્લો ટીમનો સ્ટાફ જોડાયેલો હતો.




