મોરબીની એક શિક્ષિકા સાથે એક શખ્સે શરીર સંબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ તે શિક્ષિકા સાથે શારિરીક સંબંધનો બિભત્સ વિડિયો બનાવી શિક્ષિકાના સગાં સંબંધીઓને મોકલી તેના લગ્નમાં અડચણ ઉભી કરવાના કેસમાં કોર્ટ દ્વારા મોરબી જીલ્લા શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખને ગુનેગાર ઠેરવી દશ વર્ષની સજા ફટકારી ચુકાદો આપ્યો હતો. અને આ ચૂકાદો કોર્ટે આપી દાખલો બેસાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં એક પીડિત શિક્ષિકાએ ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવા રહે. રવાપર રોડ, બોની પાર્ક, ધરતી ટાવર, મોરબીવાળા મોરબી જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ તરીકેનો હોદો ધરાવતા હોય, તા. ૨૬/૦૧/૨૦૧૭ થી તા. ૨૮/૦૨/૨૦૧૮ દરમિયાન મિત્રતા કેળવી ફોસલાવી પોતે પરણિત હોવા છતા પોતાની પત્ની સાથે છુટાછુડા કરી સાથે લગ્ન કરવાના ખોટા વાયદાઓ આપી રાજકોટ ખાતે ફલેટે લઈ જઈ અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જે દરમિયાન તેઓએ બિભત્સ વિડીયો કલીપ ઉતારી સગા સંબંધીઓમાં બિભત્સ વિડીયોગ્રાફસ, ફોટોગ્રાફસ તથા વોટસએપ મેસેજ મોકલી સગાઈ તથા લગ્ન જીવનમાં ભંગાણ પડાવી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરિયાદને આધારે મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસ મોરબીના અધિક સેશન્સ જજ સાહેબની ફાસ્ટ ટ્રેક સ્પેશીયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી વિજયભાઈ કેશવજીભાઈ સરડવાને કસૂરવાર ઠેરવી ૧૦ વર્ષની સજા ફટકારી છે. આ ઉપરાંત ભોગબનનારને રૂ.૫ લાખ તથા આરોપી પાસેથી રૂ. ૨૦ હજાર દંડ પેટે મળી કુલ રૂ.૫.૨૦ લાખ વળતર મળી ૧૦.૨૦ લાખ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ એન.ડી.કારીયા રોકાયેલ હતા.




