મોરબી શહેરમાં રહેતા શોભનાબેન જાકાસણીયા અને ચાંદનીબેન અંગોલાએ લેખિતમાં કલેક્ટર-એસપીને રજૂઆત કરી કે મોરબી શહેરમાં રાજકીય હોદ્દાનો દુરુપયોગ કરી નાણાકીય લેવડદેવડના મામલે મહીલાઓઓ પર પોલીસ દ્વારા દબાણ લાવવામાં આવતું હોવાની એક ગંભીર ફરિયાદ ઉઠી છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા પાસે બાકી રહેલી મોટી રકમની વસૂલાત માટે ગયેલા અરજદારોને રાજકીય વગ બતાવી, ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ સાથે પીડિતોએ ન્યાયની ગુહાર લગાવી છે.
પક્ષ પ્રમુખના હોદ્દાનો દુરુપયોગ કર્યાનો આરોપ અરજદારોએ ઉચ્ચ સ્તરે કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, જયંતિભાઈ સાથે નાણાકીય વ્યવહાર બાકી હોવા છતાં તેઓ લાંબા સમયથી સંપર્ક ટાળી રહ્યા છે. જ્યારે વેપારીઓ રકમની ચર્ચા માટે તેમના નિવાસસ્થાન કે ઓફિસે પહોંચે છે, ત્યારે તેઓ પોતે ‘પક્ષ પ્રમુખ’ હોવાનું જણાવી તુરંત પોલીસ બોલાવી લે છે. પોલીસની હાજરીમાં અરજદારો પર માનસિક દબાણ વધારી તેમને ભયભીત કરવામાં આવતા હોવાનો આક્ષેપ અરજીમાં કરાયો છે.
મહિલા સભ્યોને આગળ ધરી ખોટા આરોપ લગાવવાનો વ્યૂહ
અરજીમાં એક ચોંકાવનારો આક્ષેપ એ પણ કરવામાં આવ્યો છે કે, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટનીયાને પૈસા ન ચૂકવવા પડે તે માટે પોતાના પરિવારની મહિલાઓને (પત્ની અને પુત્રવધૂઓ) આગળ ધરે છે. જ્યારે વેપારીઓ ઉઘરાણી માટે જાય, ત્યારે આ મહિલા સભ્યો દ્વારા ખોટા બળપ્રયોગ કે છેડતી જેવા ગંભીર આરોપો લગાવી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપવામાં આવે છે. આ પ્રકારના વર્તનથી વેપારીઓ અને તેમના પરિવારો ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે.
CCTV ફૂટેજથી સત્ય બહાર લાવવા માંગ
અરજદારોએ તપાસની માંગણી કરતા જણાવ્યું છે કે: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈની રાજકોટીયાની ઓફિસ અને ઘરના પાર્કિંગમાં CCTV કેમેરા લાગેલા છે. જો આ ફૂટેજની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, તો સ્પષ્ટ થશે કે વેપારીઓ માત્ર રજૂઆત કરવા જાય છે, કોઈ ઝઘડો કરવા નહીં.
ઉઘરાણી દબાવવા માટે પોલીસનો જે પ્રકારે ઉપયોગ થઈ રહ્યો છે, તેની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ.
ન્યાય માટે ગુહાર પીડિત વેપારીઓએ માંગ કરી છે કે રાજકીય હોદ્દાનો દુરુપયોગ તાત્કાલિક અટકાવવામાં આવે અને પોલીસ દ્વારા વેપારીઓ પર કરવામાં આવતું ખોટું દબાણ બંધ થાય. સત્તાના જોરે સામાન્ય નાગરિકોના અવાજને દબાવવાની આ રીત સામે કડક પગલાં ભરી તેમને બાકી રકમ પરત મળે અને સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માગણી ઉચ્ચારવામાં આવી છે. હવે આગળની કાર્યવાહીમાં શું થશે? રાજકીય અગ્રણી સામે થયેલી આ ગંભીર ફરિયાદને પગલે હવે પોલીસ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓ CCTV ફૂટેજ અને અરજીના પુરાવાઓના આધારે કેવી તપાસ કરે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે.

