મોરબી શહેરમાં આવેલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિવાદોમા ઘેરાયું છે જેમાં પોલીસ સ્ટેશનના ગેટ પર એક યુવકે પોલીસ દ્વારા હેરાન કરવામાં આવેલ અને કેટલાક શખ્સ સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાના આરોપ સાથે ફિનાઇલ પી લેતા શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ બનાવે પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ હર્ષદભાઈ વેલજીભાઈ ચૌહાણ નામના યુવકે પોલીસ સ્ટેશનમાં જ ફિનાઇલ પીધું હતું. યુવકનો આક્ષેપ છે કે મનીષા અને સુરીયો નામના વ્યક્તિઓ દ્વારા તેને લાંબા સમયથી ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેમજ તેના દીકરાને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ અંગે વારંવાર પોલીસમાં ફરિયાદ કરવા છતા કોઈ કાર્યવાહી ન થતાં અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા કંટાળીને તેણે આ અતિઆઘાતજનક પગલું ભર્યું હોવાનું જણાવાયું છે. જેમાં ફિનાઇલ પીધા બાદ યુવકની તબિયત બગડતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત અંગે તબીબો નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ રાકેશ પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પીઆઈ રાકેશ પટેલ અગાઉ પણ અનેક વિવાદોમાં ચર્ચાસ્પદ રહ્યા છે. જેમા થોડા દિવસો અગાઉ મોરબીના જાહેર માર્ગ પર એક વ્યક્તિ એક હાથમાં લાકડી અને બીજા હાથમાં દારૂની પોટલી લઈને જતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જે અંગે પણ પોલીસની ભૂમિકા પર સવાલો ઊઠ્યા હતા. આ સિવાય અગાઉ પીઆઈ દ્વારા મહિલાને હેરાન કરવામાં આવી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા હતા.
હવે વારંવાર વિવાદોમાં રહેલા પીઆઈના પોલીસ સ્ટેશનમાં પોલીસ તથા બૂટલેગરોનાં કથિત ત્રાસથી કંટાળીને યુવકે ફિનાઇલ પીધું હોવાનો ગંભીર આક્ષેપ થતાં મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. ત્યારે આ ઘટનાને પગલે શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે. સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ ઉઠી છે. જો આરોપોમાં સત્યતા સાબિત થાય તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

