HomeMorbiમોરબીમાં 25 લાખની ઉઘરાણી મામલે ધોકા સાથે હુમલો: ઉદ્યોગપતિ સહિત બેને ગંભીર...

મોરબીમાં 25 લાખની ઉઘરાણી મામલે ધોકા સાથે હુમલો: ઉદ્યોગપતિ સહિત બેને ગંભીર ઈજા, પોલીસમાં ફરિયાદ

મોરબી શહેરમાં ઉઘરાણીના મુદ્દે હિંસક બનાવ સામે આવ્યો છે, જેમાં મેટ્રો સિરામિક ગ્રુપના સંચાલક સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા ચકચાર મચી ગઈ છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના એવન્યુ પાર્ક વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિ શેખરભાઈ રતીલાલભાઈ આદ્રોજા (ઉ.વ. 46) એ આરોપી અજય મનસુખભાઈ ઉર્ફે પોપટભાઈ લોરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ શેખરભાઈને અજય લોરીયા પાસેથી લાંબા સમયથી રૂ. 25 લાખ લેવાના હતા, પરંતુ આરોપી સતત બહાના બનાવી ચુકવણી ટાળી રહ્યો હતો. ગઈકાલે આરોપીએ રૂપિયા પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ વાયદા મુજબ રૂપિયા ન આપતા શેખરભાઈએ રાત્રે સંપર્ક કર્યો હતો. તે દરમિયાન આરોપીએ તેમને સરદારબાગ નજીક આવેલ ભારત ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આવવા જણાવ્યું હતું. શેખરભાઈ તેમના મિત્ર જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ પાડલીયાને સાથે લઈ ઈનોવા કારમાં ગોડાઉન ખાતે પહોંચ્યા હતા. જ્યાં પહેલાથી હાજર આરોપી અજય લોરીયા અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાની મર્સીડિઝ કારમાંથી ધોકા કાઢી હુમલો કર્યો હતો. હુમલામાં શેખરભાઈના બંને હાથમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે જયેશભાઈના માથામાં ગંભીર ઇજા પહોંચતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અજય લોરીયા અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ બીએનએસ કાયદાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે. શહેરમાં આ બનાવને લઈને ભય અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

Most Popular