HomeMorbiમોરબીની ટાઇલ્સ ફેક્ટરીમાં કરુણ ઘટના: કોલસા મિલમાં ફસાતા 11 વર્ષના બાળકનું મોત,...
મોરબીની ટાઇલ્સ ફેક્ટરીમાં કરુણ ઘટના: કોલસા મિલમાં ફસાતા 11 વર્ષના બાળકનું મોત, ઓપરેટર સામે ગુનો નોંધાયો
Advertisement
Advertisement
મોરબીના લગધીરપુર રોડ પર આવેલી કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીમાં બનેલી કરુણ ઘટનામાં ૧૧ વર્ષના માસૂમ બાળકનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પ્રાથમિક તપાસ બાદ મોરબી તાલુકા પોલીસ મથકે મશીન ઓપરેટર વિરુદ્ધ બેદરકારીથી મોત નીપજાવવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીમાં મજૂરી કામ કરતા વિશાલ કિરાડેના જણાવ્યા અનુસાર ગત તારીખ ૧૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રિના સમયે તેનો ૧૧ વર્ષનો નાનો ભાઈ વિશ્વાસ તેને મોબાઈલનું ચાર્જર આપવા માટે ફેક્ટરીમાં આવેલ કોલસા મિલ પાસે આવ્યો હતો. તે દરમિયાન કોલસો ખાલી થઈ જતા વિશાલ ટ્રેક્ટર ચાલકને બોલાવવા માટે ત્યાંથી દૂર ગયો હતો.
થોડીવાર પછી પરત ફરતા વિશ્વાસ કોલસા મિલના પટ્ટામાં ફસાઈ જવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. બૂમાબૂમ કરતા મશીન બંધ કરાવી બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. બાદમાં તેને સારવાર માટે પહેલા મોરબી અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. વધુ સારવાર માટે પરિવાર બાળકને વતન મધ્યપ્રદેશ લઈ ગયો હતો, જ્યાં બડવાનીની નિમાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન ૨૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ તેનું મોત નીપજ્યું હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઈજાઓના કારણે થયેલા સેપ્ટિસેમિક શોકથી બાળકનું મૃત્યુ થયું હતું. આ મામલે મધ્યપ્રદેશ પોલીસે ઝીરો નંબરથી નોંધાયેલી ફરિયાદ મોરબી મોકલતા હવે મોરબી તાલુકા પોલીસે કજારીયા સલ્ફર ટાઇલ્સ ફેક્ટરીના કોલ મશીન ઓપરેટર બ્રીજેન્દ્ર રાજાવત વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 106(1) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement
Advertisement