HomeMorbiમાળીયાના ખૂનકાંડનો રૂ.20 હજારનો ઈનામી મુખ્ય આરોપી આખરે ઝડપાયો
માળીયાના ખૂનકાંડનો રૂ.20 હજારનો ઈનામી મુખ્ય આરોપી આખરે ઝડપાયો
મોરબી જિલ્લાના માળીયા(મીં) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચિત ખૂનના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર ચાલી રહેલા રૂ.20 હજારના ઈનામી આરોપી ફારૂક હબીબભાઈ જામને મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્ક્વોડ અને એસ.ઓ.જી.ની સંયુક્ત ટીમે ઝડપી પાડ્યો છે.
ગત તા.25 ઓક્ટોબર 2024ના રોજ માળીયાના વાગડીયા ઝાંપા વિસ્તારમાં જૂની એસબીઆઈ બેન્ક પાસે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન જીવલેણ હુમલો અને ફાયરિંગની ઘટના બની હતી. જેમાં હૈદરભાઈ અલીમહમદ ઉર્ફે ઇલીયાસભાઈ જેડાનું મોત નિપજ્યું હતું. આ બનાવમાં કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો.
પોલીસે અગાઉ નવ આરોપીઓને ઝડપી ચાર્જશીટ રજૂ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી ફારૂક જામ સતત ફરાર હતો. પોલીસને મળેલી બાતમીના આધારે માળીયાના ગઢીયા તળાવ પાસે મચ્છુ માતાજીના મંદિર નજીક આવેલા ખેતરમાંથી આરોપીને ફિલ્મી ઢબે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં આરોપીને વધુ કાર્યવાહી માટે માળીયા(મીં) પોલીસને સોંપવામાં આવ્યો છે.