માળિયા મિયાણા તાલુકાના ઘાંટીલા ગામની સીમમાં ખેતરમાં મૂકાયેલા ડીઝલ એન્જિનમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. જાગૃત ખેડૂતોએ ચોરી કરતા શખ્સોને જોઈ તરત જ પીછો કરતા એક આરોપીને બાઈક, ચોરાયેલ ડીઝલ અને છરી સાથે ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો, જ્યારે તેના ત્રણ સાગરીતો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ઘાંટીલા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા ૫૩ વર્ષીય રાજેશભાઈ ગોવિંદભાઈ વિડજાએ આરોપી સુમિતભાઈ લાભુભાઈ ઝીંઝરીયા, સુનીલભાઈ મનજીભાઈ ઝીઝરીયા, સુરેશભાઈ મનજીભાઈ ઝીઝરીયા, અશ્વિનભાઈ વેલજીભાઈ ઝીઝવાડીયા રહે. બધા ગામ કોપરણી, તા. ધ્રાંગધ્રા, જી. સુરેન્દ્રનગરવાળા વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સુમિતભાઈએ પોતાના હવાલા વાળુ હિરો કંપની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-36 AQ-3502 વાળા સાથે આરોપી સુનિલભાઈ, સુરેશભાઈ, અશ્વિનભાઈઓ અન્ય એક મોટરસાયકલ સાથે આવી ફરીયાદી તથા સાથીના કેનાલ ઉપર જાહેર જગ્યામા મુકેલ પાણી પાવાના ડીઝલ મશીનમાથી ડીઝલ ચોરી કરી આરોપી સુમિત ભાઈ ફરીયાદીના ડીઝલ મશીન માથી એક પ્લાસ્ટિકના કેરબામા આશરે ડીઝલ લીટર ૦૨ કિંમત રૂ. ૧૯૫/- ના ચોરી કરેલ ડીઝલ તથા છરી સાથે મળી આવતા ખેડૂતોએ પકડી પાડેલ તેમજ આરોપી સુનિલભાઈ, સુરેશભાઈ, અશ્વિનભાઈનાઓ પોતાના હસ્તકના મોટરસાયકલ લઈને નાસી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

