HomeMorbiદારૂના ધંધાની અદાવતનો લોહિયાળ અંત: મોરબીમાં યુવકની ગોળી મારી હત્યા કરનાર થાનગઢ...

દારૂના ધંધાની અદાવતનો લોહિયાળ અંત: મોરબીમાં યુવકની ગોળી મારી હત્યા કરનાર થાનગઢ ગેંગના 4 શખ્સો ઝડપાયા

મોરબીના શોભેશ્વર રોડ વિસ્તારમાં દારૂના ગેરકાયદેસર ધંધાની અદાવતમાં થયેલી યુવકની હત્યાના બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસને મોટી સફળતા મેળવી છે. પોલીસએ હત્યા કેસમાં સંડોવાયેલા થાનગઢના ચાર આરોપીઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ પર મફતીયાપરા વિસ્તારમાં રહેતા હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટીની ઘાતકી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યા બાદ પિસ્તોલથી ફાયરિંગ કરી હત્યાને અંજામ આપ્યો હતો. આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, થાનગઢના ફારૂકભાઈ અલ્લારખાભાઈ ઉર્ફે બટક કવાલ ભટ્ટી દ્વારા ગેરકાયદેસર અંગ્રેજી દારૂનો ધંધો કરવામાં આવતો હતો. તેના વિરુદ્ધ થતા પોલીસ કેસોમાં હનીફભાઈ ભટ્ટી પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખીને આરોપીઓએ ખાર રાખ્યો હતો. આ અદાવતના કારણે ચારેય આરોપીઓએ એકસંપ કરીને મોરબી આવી હનીફભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ખાનગી બાતમીના આધારે પોલીસને માહિતી મળી હતી કે હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીઓ મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલા શક્તિ ચેમ્બર વિસ્તારમાં હાજર છે.

આ બાતમીના આધારે પોલીસની એક ટીમને થાનગઢ અને બીજી ટીમને મોરબી ખાતે ગોઠવી સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેના પરિણામે પોલીસે મુખ્ય આરોપી ફારૂકભાઈ અલ્લારખાભાઈ ઉર્ફે બટક કવાલ ભટ્ટી, સમીરભાઈ જાકિરભાઈ પીરજાદા, રિયાઝભાઈ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝીમભાઈ દિલાવરભાઈ ઉર્ફે મુનાફભાઈ દિવાન (તમામ રહે. થાનગઢ) ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular