HomeMorbiસગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ૩૫ વર્ષીય નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદ...

સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ૩૫ વર્ષીય નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૪.૨૧ લાખનું વળતર ચૂકવવાનો મોરબી કોર્ટનો ઐતિહાસિક આદેશ

મોરબી: મોરબીની સ્પેશિયલ પોકસો કોર્ટે સગીરા પર આચરવામાં આવેલા પશુતા સમાન જાતિય હુમલા અને અપહરણના ચકચારી કેસમાં એક મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે પ્રેમજીનગર (મકનસર) ખાતે રહેતા ૩૫ વર્ષીય આરોપી બળદેવભાઇ ઉર્ફે સુરેશભાઇ મુળજીભાઇ શેખવાને કસૂરવાર ઠેરવીને કાયદાનું ભાન કરાવ્યું છે. વર્ષ ૨૦૨૨માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં આરોપીએ ૧૫ વર્ષ અને ૯ માસની સગીરાને લગ્નની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું હતું અને તેની અસંમતિ હોવા છતાં તેની પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાનો ગંભીર આક્ષેપ સાબિત થયો છે.

આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એન.ડી. કારીયાએ ખૂબ જ ધારદાર અને પ્રશંસનીય કામગીરી કરી હતી. મોરબીના મદદનીશ સરકારી વકીલ (Assistant Public Prosecutor) દ્વારા કોર્ટ સમક્ષ ૧૫ મૌખિક પુરાવાઓ અને ૨૮ જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને કાયદાકીય પકડ મજબૂત કરી હતી. સરકારી વકીલની સચોટ દલીલો અને પુરાવાઓની તાર્કિક કડીઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે નોંધ્યું કે સગીરા પોતાની સંમતિ આપવા માટે સક્ષમ ન હોવા છતાં તેની સાથે નરાધમતા આચરવામાં આવી છે. સરકારી વકીલની આ ઉત્કૃષ્ટ કાનૂની લડતને કારણે જ ભોગ બનનાર પીડિતાને ન્યાય અપાવવામાં સફળતા મળી છે.

મોરબીના અધિક જજ (પોકસો) અને બીજા અધિક સેશન્સ જજ દ્વારા આરોપીને ભારતીય દંડ સંહિતા (IPC) અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ આકરી સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને આઈપીસી કલમ ૩૬૩ હેઠળ ૩ વર્ષ, કલમ ૩૬૬ હેઠળ ૭ વર્ષ, કલમ ૩૭૬(૨)(જે)(એન) હેઠળ ૧૦ વર્ષ, તેમજ કલમ ૩૭૬(૩) અને પોકસો એક્ટની કલમ ૫(એલ)/૬ હેઠળ મહત્તમ ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર પીડિતાને કુલ રૂ. ૪,૨૧,૫૦૦/- વળતર પેટે ચૂકવવાનો આદેશ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, મોરબીને કર્યો છે, જે સમાજમાં ગુનેગારો માટે એક કડક દાખલો બેસાડશે.

RELATED ARTICLES

Most Popular