HomeMorbiમોરબી મનપાની કાર્યવાહી: ગૌવંશના મૃતદેહો ખુલ્લામાં ફેંકાતા જવાબદાર ઈન્ચાર્જ કરારમુક્ત, નંદીઘર સંચાલક...

મોરબી મનપાની કાર્યવાહી: ગૌવંશના મૃતદેહો ખુલ્લામાં ફેંકાતા જવાબદાર ઈન્ચાર્જ કરારમુક્ત, નંદીઘર સંચાલક એજન્સીને નોટિસ

મોરબી: લાલપર ડમ્પિંગ સાઇટ પર ગૌવંશના મૃતદેહોને ખુલ્લામાં ફેંકી દેવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ મોરબી મહાનગરપાલિકાએ તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાસ્થળની મુલાકાત બાદ ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ ગૌવંશના મૃતદેહોના યોગ્ય નિકાલમાં બેદરકારી દાખવનાર એએનસીડી શાખાના ઈન્ચાર્જ નિમેષ ખમલાને કરારમુક્ત કરી દીધા છે. સાથે જ નંદીઘરનું સંચાલન કરતી એજન્સીને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા આજે લાલપર ડમ્પિંગ સાઇટ પર ગૌવંશના મૃતદેહોને ખુલ્લામાં ઠાલવી દેવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો સાંજે 5 વાગ્યા સુધીમાં ગૌવંશના મૃતદેહોની સન્માનપૂર્વક દફનવિધિ નહીં કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો મૃતદેહોને મહાનગરપાલિકા કચેરીએ લાવવામાં આવશે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મનપાએ એએનસીડી શાખાના ઈન્ચાર્જ નિમેષ ખમલાને તાત્કાલિક અસરથી કરારમુક્ત કર્યા છે. હાલ પૂરતો ચાર્જ એસએસઆઈ વિપુલ છૈયાને સોંપવામાં આવ્યો છે. ઉપરાંત અન્ય એક કર્મચારીનો સાત દિવસનો પગાર કાપી નોટિસ આપવામાં આવી છે. નંદીઘરનું સંચાલન કરતી એજન્સી પાસે પૂરતો સ્ટાફ ન હોવાનું સામે આવતા હાલ કોર્પોરેશનની ટીમ ત્રણ શિફ્ટમાં ઘાસચારો, પાણી અને સફાઈની કામગીરી સંભાળશે. ભવિષ્યમાં આઉટસોર્સિંગ એજન્સી મારફતે લાયકાત ધરાવતા અધિકારીની નિમણૂક કરવામાં આવશે.

વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન કમલભાઈ દવેએ જણાવ્યું હતું કે સંગઠન દ્વારા મુકાયેલી ત્રણેય મુખ્ય માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો છે. મૃત ગૌવંશની સન્માનપૂર્વક દફનવિધિ શરૂ કરવામાં આવી છે, જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે અને નંદીઘરના કોન્ટ્રાક્ટર સામે પણ પગલાં લેવાયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે નવો કોન્ટ્રાક્ટર નિમાય ત્યાં સુધી વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સંગઠનો મળીને નંદીઘર ખાતે ગૌવંશની સેવા અને જાળવણીમાં સહયોગ આપશે.

ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું કે મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ રખડતા પશુઓને પકડવાની કામગીરીમાં તેજી લાવવામાં આવી હતી. વર્ષ 2025 દરમિયાન 2,000થી વધુ પશુઓને પકડીને વિવિધ ગૌશાળાઓમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ આશરે 900 નંદીઓને નંદીઘરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. નંદીઘરના સંચાલનનો કોન્ટ્રાક્ટ પશુબા ચેરિટેબલ ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો, જેમાં મોટા પશુ દીઠ રોજના રૂ. 50 અને નાના પશુ દીઠ રૂ. 40 ચૂકવવામાં આવે છે. અગાઉ પણ કામગીરીમાં ખામી બદલ એજન્સી પાસેથી રૂ. 1 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું.

RELATED ARTICLES

Most Popular