આજે ટંકારામાં નવા ન્યાય મંદિરનું હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બિરેન વૈષ્ણવના હસ્તે રંગેચંગે અનાવરણ કરવામાં આવ્યું છે.
ટંકારા તાલુકા સરકાર પક્ષેથી સ્વિકારી હકારાત્મક વલણ અપનાવી વર્ષ ૨૦૨૨ માં તાલુકાના લતિપર હાઈવે પર સર્કિટ હાઉસ પાસે જબલપુર ગામની સીમ ખરાબાની સરકારી જમીન ફાળવણી કરી હતી. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત ગત ઓક્ટોબર-૨૦૨૨ મા કરવામાં આવ્યું હતુ. તેમજ સ્થળ પર ધાર્મિક વિધિ અનુસાર ટંકારાના પ્રખર સદગત શાસ્ત્રીજી મિલન મહારાજના આચાર્યપદે ટંકારાના તત્કાલીન જજ એન.સી. જાદવના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. અંતે રૂપિયા ૭૪૩.૮૦ ના ખર્ચે કુલ ૯૦૦૦ ચો.મી.ના વિશાળ કોર્ટ પરીસરમાં કોર્ટનું બિલ્ડિંગ આરસીસી સ્ટ્રકચરમા ૨૨૫૬ ચો મી. મા કોર્ટનુ નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવા ન્યાય મંદિરમાં સ્ટાફ રૂમ, રેકર્ડ રૂમ ઉપરાંત એડવોકેટોને બેસવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા મથકે આકાર પામેલા ન્યાય મંદિર પરીસરમા જ જજ બંગ્લો સહિત કોર્ટ કર્મચારીઓના સ્ટાફ કવાટર્સ પણ બનાવવામા આવ્યા છે. જેનુ ઉદ્દઘાટન આજે એટલે કે તા.૧૦ એપ્રિલના રોજ હાઈકોર્ટના ચિફ જસ્ટિસ બિરેન વૈશ્ર્ણવના હસ્તે ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.
આ ઉદ્દઘાટન પ્રસંગે બાર એસોસિયેશન- ટંકારાના પ્રમુખ સંજયભાઈ ભાગીયા, સેક્રેટરી અતુલ ત્રિવેદી, ઉપપ્રમુખ રાહુલ ડાંગર, જોઈન્ટ સેક્રેટરી મુકેશ બારૈયા, બારના પૂર્વ પ્રમુખ રમેશભાઈ ભાગીયા, પૂર્વ પ્રમુખ પરેશભાઈ ઉજરીયા, બી.વી.હાલા, કલ્પેશ સેજપાલ, કોર્ટ કર્મચારીઓ ઉપરાંત બારના સભ્યો દ્વારા પ્રસંગને અનુરૂપ ટંકારા વૈદિક ધર્મનો આહલેક જગાવતા આર્યસમાજ સંસ્થામા વૈદિક અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ન્યાયાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
નવી કોર્ટના ઉદ્ઘાટન પ્રસંગે ચીફ જસ્ટિસ વૈષ્ણવે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ટંકારામાં 2013 થી કોર્ટ કાર્યરત હતી. સૈદ્ધાંતિક મંજૂરી 2022 માં મળી સરકાર દ્વારા 10.20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા જેથી આ સુવિધા આજે ઊભી કરાઈ છે. આ દયાનંદ સરસ્વતીજીની પવિત્ર ભૂમિ હોવાથી વૈદિક મંત્રોચ્ચાર કરી વિધિવત રીતે આ નવા ન્યાય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ સાથે જ અહીંયા વસતા દરેક નાગરિકને સુવિધા સંપૂર્ણ બિલ્ડિંગ મળ્યું છે, જેના માટે ગુજરાત સરકાર, હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ તકે, મોરબી જીલ્લા કલેકટર કિરણભાઈ ઝવેરી, ડિસ્ટ્રીકટ જજ દિલીપભાઈ મહિડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ટંકારાના જજ એસ.જી. શેખ, મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, મામલતદાર પી.એન.ગોર, મોરબી વકિલ મંડળના પ્રમુખ સી.પી. સોરીયા સહિતના ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.




