“પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે” આ સૂત્રને સાર્થક કર્યું છે હળવદ પોલીસે.
હળવદ શહેરના વોર્ડ નં.૭ ના પંચમુખી વિસ્તારમાં રહેતા વિજયભાઈ સુરેશભાઈ ઝીંઝુવાડીયા નામના યુવાન તેના પરિવારજનો સાથે કોઈ બાબતે રીસાઈને ગઈકાલે સાંજથી ઘરે કહ્યા વિના જ બહાર જતો ગયો હતો. જેથી પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા, યુવકનો મોબાઇલ પણ બંધ આવતો હોવાથી તેમના સંપર્કમાં આવવું અશક્ય બન્યું હતું ત્યારે પરિવારજનોએ હળવદ પોલીસની મદદ લીધી હતી. પોલીસે પણ આ ઘટના ગંભીરતાપૂર્વક લીધી અને તરત જ યુવાનની શોધખોળ શરૂ કરી. સી.સી.ટી.વી ફૂટેજ, ટેકનિકલ સોર્સની મદદ અને મિત્રવર્તુળની માહિતીના આધારે પોલીસ ટીમ અને સામાજિક આગેવાનો અને પરિવારજનો દ્વારા યુવાન સુધી પહોંચવાની કોશિશ સતત ચાલુ રાખી. અનેક પ્રયાસો બાદ ગણતરીના કલાકોમાં યુવાનને સુરક્ષિત સ્થિતિમાં શોધી સહી સલામત પરિવારજનો પાસે પહોંચાડી હળવદ પોલીસે પ્રજાના સાચા મિત્ર હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ગુમ થયેલો યુવાન ધ્રાંગધ્રા તાલુકાના હરીપર પાસેથી સહી સલામત મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
પોલીસ અને સામાજિક આગેવાનોએ યુવાનને સમજાવી અને સમાધાનકારક માર્ગદર્શન આપ્યું હતું દીકરો મળી જતા પરિવારજનોની આંખમાં પણ હર્ષના આંસુ છલકાયા હતા.
આ ઘટના હળવદ પોલીસની ચપળતા, જવાબદારી અને માનવીય લાગણીશીલતા દર્શાવે છે. આવી કામગીરી પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવામાં મદદરૂપ બને છે.




