મોરબીના નવલખી રોડ પર આવેલ શ્રઘ્ધા પાર્ક અને યમુના નગર નજીક આવેલા અનુસૂચિત જાતિના સ્મશાનમાં સરકારી અનાજનો અખાદ્ય જથ્થામાં આગ લાગ્યાના અહેવાલ ગુજરાતભરના પ્રસિધ્ધ મીડીયામાં ચર્ચાઈ રહ્યા છે. આ ઘટના મોરબીમાં જ નહીં ગુજરાતભરમાં ચકચારીત બની છે.
ઘટના સમયે સ્થળ પર જીલ્લા પુરવઠા અધિકારી, મોરબી મામલતદાર તથા નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-૨ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. ત્યારે આ જથ્થાના પેકીંગ પર જથ્થો ૨૦૧૯ ના વર્ષનું હોવાનું ઘ્યાને આવેલ છે.
પ્રાથમિક દ્રષ્ટિએ આ જથ્થો સરકારી જથ્થો જણાતા આ બાબતની વિવિઘ ટીમો બનાવી તુરંત ઊંડાણ પૂર્વક તપાસ કરતા ઘટના સ્થળેથી આશરે ૨ કીલોમીટર દૂર એક પ્રાઇવેટ ગોડાઉનમાંથી જથ્થો આવ્યો હોવાનું મળી આવ્યું હતું. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગરનો હોવાનું સામે આવ્યું છે. સદર જથ્થો વર્ષ-૨૦૧૯/૨૦ માં આવેલ અતિ વરસાદથી પલળી અખાદ્ય થયેલ હતો. જેનો નિકાલ કરવા માટે સરકારની નિયત પ્રક્રિયા હાથ ઘરી ૯૭૩.૭ કિ.વી. જથ્થો વિનય એગ્રી ટ્રેડ સુરેન્દ્રનગર દ્વારા ખરીદવામાં આવ્યો હતો. સદર પેઢીના વહીવટ કર્તા નજમાબેન આદિલભાઇ માંડવીયા તથા આદિલભાઇ રફીકભાઇ માંડવીયાએ આ તમામ જથ્થો અત્રેથી મેળવી લીધો હતો. ત્યારબાદ આદિલભાઇ રફીકભાઇ માંડવીયાનું ડિસેમ્બર-૨૦૨૦ માં અવસાન થયું હોવાથી આ જથ્થો સંબંધિત તેમજ ગોડાઉન ખાતે જ પડી રહ્યો હતો.
તાજેતરમાં સદર પેઢીના વહિવટ કર્તા આદિલભાઇ રફીકભાઇ માંડવીયાના ભાઇ રઉફભાઇ રફીકભાઇ માંડવીયા ગોડાઉન ખાલી કરવા માટે અનાજના જથ્થાનો ટ્રેકટરોથી નિકાલ કરવા અર્થે યમુનાનગર ખાતે આવ્યા હતા. જેને તેમણે સ્મશાનમાં તથા અમરેલી ગામ પાસે ડમ્પ કરાવ્યો તેમજ તેમના ગોડાઉન પર જથ્થો પડેલો જથ્થો જે તે સમયે ખરીદનારે ખાતરમાં ઉપયોગ કરવાની બાંહેઘરી આપી છે. જેથી વિનય એગ્રી ટ્રેડના હાલના વહિવટદારને આ જથ્થો સરકારી તંત્રના સંકલનમાં રહી યોગ્ય પદ્ધતિથી સત્વરે નાશ કરવા તાકીદ આપવામાં આવી છે તેમજ જો આ જથ્થો અન્ય જગ્યાએ હોય તો તે પણ તેને યોગ્ય રીતે નીકાલ કરવા જાણવામાં આવ્યું છે, તેમ મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જૈમિન કાકડિયા દ્વારા રદીયામાં જણાવાયું છે.




