રાજ્યમાં આ વર્ષે વહેલું ચોમાસું શરૂ થવાના એંધાણ છે ત્યારે મોરબી જિલ્લામાં આગામી ચોમાસુ પાક માટે જે ખેડૂતોએ નર્મદાની કેનાલમાંથી સિંચાઈ સુવિધા મેળવવી હોય તેમણે તાત્કાલિક ધોરણે ફોર્મ ભરવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અપીલ કરી છે.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અપીલ કરતા જણાવ્યું હતું કે, નર્મદા યોજનાની માળિયા બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા મોરબી બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખાતેદાર ખેડૂતોએ આગામી ચોમાસુ પાક માટે સિંચાઈ સુવિધા મેળવવી હોય તો તેઓએ પોતાના ફોર્મ ભરવા જરૂરી છે અને તેના આધારે કેનાલ દ્વારા પાણી છોડવામાં આવે છે. આજે તા. 28 મે ને બુધવારને બપોર સુધીમાં હજુ સુધી કોઈ પણ ગામમાં એક પણ ફોર્મ ભરાયેલ નથી જેને ખેદજનક બાબત ગણાવી ખાતેદાર ખેડૂતોને અનુરોધ કર્યો હતો કે, તેઓ નર્મદા યોજનાના અધિકારી-કર્મચારીને પોતાના ગામમાં બોલાવી અને એક જ દિવસમાં અથવા ટૂંકા સમયમાં વધુમાં વધુ ફોર્મ ભરાય તે પ્રકારે કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગામના સરપંચો, આગેવાનો અને ખેડૂતોને કરી છે.




