ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨’ પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ હેલ્પલાઈન થકી અત્યાર સુધીમાં ૨૧ હજારથી વધુ પશુ-પક્ષીઓને નવજીવન મળ્યું છે.
તારીખ ૬ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી આ સેવાને તાજેતરમાં સફળતાપૂર્વક ૮ વર્ષ પૂર્ણ કર્યા છે. EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવા મોરબી જિલ્લામાં અનેક ઇજાગ્રસ્ત અને બીમાર પશુ-પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની છે.
કરુણા હેલ્પલાઈનના ડો. વિપુલભાઈ કાનાણના જણાવ્યા મુજબ, છેલ્લા ૮ વર્ષમાં મોરબી જિલ્લામાં કુલ ૨૧,૮૩૬ પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં ૧૭,૨૯૫ શ્વાન, ૩,૦૬૨ ગાય, ૬૨૮ બિલાડી, તેમજ કબૂતર, સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ જેવા અનેક જીવનો સમાવેશ થાય છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સની દરેક વાન નવીન દવાઓ અને આધુનિક સાધનસામગ્રીથી સજ્જ છે, જેમાં એક તાલીમબદ્ધ વેટરનરી ઓફિસર અને પાયલોટ તાત્કાલિક સેવા આપવા તત્પર રહે છે.
પ્રોગ્રામ મેનેજર ડો. મોહમ્મદ સોયબ ખાનએ નગરજનોને અનુરોધ કર્યો છે કે, “જો શહેરના કોઈ પણ વિસ્તારમાં ઇજાગ્રસ્ત કે બીમાર હાલતમાં પશુ કે પક્ષી જોવા મળે, તો તરત જ હેલ્પલાઈન નંબર ૧૯૬૨ પર ફોન કરી આ સરકારી વિનામૂલ્યે સેવાનો લાભ લો અને મૂંગા જીવોને જીવનદાન આપો.”




