મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી હોવાની વચ્ચે ફરી એક ચીલઝડપની ઘટના બની છે. મોરબીના રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મહિલાના ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી નાસી જવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ભાડુકા ગામના વતની અને હાલ મોરબી તાલુકા પોલીસ લાઇન ક્વાર્ટર નં. 31, બ્લોક નં. 04 ખાતે રહેતી નિરૂબા મેહુલસિંહ ભાટીયા (ઉં. 27) એ મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ, નિરૂબા ભાટીયા ખરીદી કરવા માટે બજારમાં ગયેલા સમયે રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક સવાર બે અજાણ્યા શખ્સો આવી તેમના ગળામાં પહેરેલો આશરે 10 ગ્રામ વજનનો રૂ. 80,000 કિંમતનો સોનાનો ચેઇન ઝુંટવી નાસી ગયા હતા. ફરીયાદના આધારે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




