Wednesday, May 6, 2026
HomeGujaratગુજરાતમાં ૧ નવેમ્બરે વરસાદની આગાહી, ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારી રાખવાનો અનુરોધ

ગુજરાતમાં ૧ નવેમ્બરે વરસાદની આગાહી, ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારી રાખવાનો અનુરોધ

Advertisement
Advertisement

ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ આગામી તા. ૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે, જેને પગલે ખેતી વિભાગે ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ કર્યો છે.

ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને પાકના રક્ષણ માટે કેટલીક મહત્વપૂર્ણ સલાહો આપવામાં આવી છે. કમોસમી વરસાદથી પાકને નુકસાન ન થાય તે માટે ખેતરમાં કાપણી કરેલ અથવા ખુલ્લા પડેલા પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા જણાવાયું છે. જો પાકને ખસેડવો શક્ય ન હોય તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો.

પાકના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવી દેવો જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે ન જાય અને પાક ભીનો ન થાય. આ સમયગાળામાં ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવી છે જેથી પાક પર તેનો અનિચ્છનીય અસર ન થાય.

તે સિવાય ખાતર અને બિયારણનો જથ્થો પલળી ન જાય તે માટે તેને સુરક્ષિત જગ્યાએ રાખવાની સલાહ આપવામાં આવી છે.

APMC યાર્ડમાં રહેલા અનાજ તથા ખેતપેદાશોને પણ ઢાંકીને અથવા શેડ હેઠળ રાખવા સૂચના આપવામાં આવી છે. વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને હાલના દિવસોમાં પોતાની પેદાશોને બજારમાં લાવવાનું ટાળવા કે પછી તેને સુરક્ષિત રીતે લાવવાની સલાહ અપાઈ છે.

ખેતી નિયામક કચેરીએ જણાવ્યું છે કે જો ખેડૂતોને કોઈપણ પ્રકારની વધુ માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય તો તેઓ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), KVK (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર) અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર સંપર્ક કરી શકે છે.

આ રીતે આવનારા કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા જો જરૂરી તકેદારીના પગલાં લેવાશે તો પાકને સંભવિત નુકસાનથી બચાવી શકાય છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular