મોરબીથી હળવદ હાઇવે પર આવેલ નીચી માંડલ ગામની ગોળાઈ નજીક મિક્સર વાહન અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષા ચાલક અને સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 26ના રોજ જીજે-18-બીએ-6675 નંબરની રીક્ષા લઈને મોરબીથી ચરાડવા જવા નીકળેલા ઈકબાલભાઈ નૂરમામદભાઈ ગાલબ અને સાહેદ અલરખાભાઈ (રહે. વાવડી રોડ, શ્રીજી પાર્ક, મોરબી) નીચી માંડલ નજીક પહોંચતા આગળ જતા મિક્સર વાહનના ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના પગલે રીક્ષા મિક્સર સાથે અથડાઈ હતી અને મિક્સર વાહનનું બકેટ રીક્ષા પર પડતાં બન્નેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે 108ની મદદથી ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસે જીજે-36-એસ-6959 નંબરની મિક્સર વાહનના ચાલક વિરુદ્ધ બેદરકારીભર્યા ડ્રાઈવિંગ બદલ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.




