Wednesday, May 6, 2026
HomeGujaratમોરબીમાં જાહેર બસ સેવા બંધ; સામાજિક કાર્યકરોની કમિશ્નરને રજૂઆત, બસ સેવા તથા...

મોરબીમાં જાહેર બસ સેવા બંધ; સામાજિક કાર્યકરોની કમિશ્નરને રજૂઆત, બસ સેવા તથા તાત્કાલિક ઓફિસ શરૂ કરવા માંગ

Advertisement
Advertisement

મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરી જણાવાયું છે કે, અગાઉ નગરપાલિકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે જાહેર બસ સેવા સુચારૂ રીતે ચાલી રહી હતી. પરંતુ વર્ષ ૨૦૨૫માં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજદિન સુધી આ બસ સેવા સંપૂર્ણપણે બંધ છે.

આ કારણે શનાળા, સામાકાંઠે, વીરપર, લજાઈ, રવાપર, ઘુનડા, વાવડી સહિતના આસપાસના ગામોના લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ, રોજગાર માટે આવતા કર્મચારીઓ તથા વડીલ નાગરિકોને શહેર સુધી પહોંચવામાં ભારે તકલીફો ભોગવવી પડે છે. તહેવારોના દિવસોમાં તો આ તકલીફો અત્યંત વધી જાય છે.

હાલ મોરબી મહાનગરપાલિકા પાસે ત્રણ જાહેર બસો ઉપલબ્ધ હોવા છતાં પણ તેમાંથી કોઈ બસ સેવા હાલ પ્રજાને મળતી નથી. સાથે સાથે, મોરબીમાં સીટી બસ માટે બસ સ્ટેન્ડોની સુવિધા પણ નથી.

સામાજિક કાર્યકરોએ વધુમાં જણાવ્યું કે મહાનગરપાલિકા બનીને પણ મોરબીમાં કોઈ જાતની જાહેર સુખસુવિધાઓ ઉપલબ્ધ નથી. “આના કરતા તો નગરપાલિકા સારી હતી,” એમ રજૂઆતમાં ઉલ્લેખ થયો છે.

મહાનગરપાલિકાની કચેરી પણ હજી સુધી સુચારૂ રીતે કાર્યરત નથી. કમિશ્નર માટેની ઓફિસ તો તૈયાર છે પરંતુ કર્મચારીઓ ખંડેર જેવી ઇમારતમાં જીવના જોખમે કામ કરે છે. તેથી તાત્કાલિક ઓફિસની વ્યવસ્થા કરવા તથા બંધ જાહેર બસ સેવા ફરી શરૂ કરવા જેવી બે મુખ્ય માગણીઓ સામાજિક કાર્યકરો તથા નાગરિકોએ કમિશ્નર સમક્ષ રાખી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Most Popular