મોરબીના માળિયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે વર્ષ 2021માં બનેલા એક હત્યા કેસમાં મહત્ત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે. બહેન સાથે થયેલા પ્રેમલગ્નનો ખાર રાખીને યુવકની છરીના ઘા મારી હત્યા કરનાર આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વર્ષામેડી ગામના નિવાસી આરોપી દીનેશ ઉર્ફે ‘નીનો’ પ્રભુભાઈ મહાલીયાએ પોતાની બહેન જિજ્ઞાસા સાથે પ્રેમલગ્ન કરનાર હરેશભાઈ ભરતભાઈ વાઘેલાની 21 મે 2021ના રોજ સાંજે છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. મૃતકની માતા ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ માળિયા મિયાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનાહિત કાર્યવાહી હાથ ધરી હતી.
કેસ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં તમામ પુરાવા અને દલીલોનું વિશ્લેષણ કર્યા બાદ કોર્ટે આરોપી દીનેશભાઈ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાને ભારતીય દંડ સંહિતાની કલમ 302 મુજબ દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. 20,000 નો દંડ ફટકારાયો છે અને દંડ ન ભરાય તો વધારાની બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે વિજય જાની હાજર રહ્યા હતા.




