શહેરમાં વ્યાજખોરીના કેસોમાં વધારા વચ્ચે એક વધુ ગંભીર મામલો સામે આવ્યો છે. મોરબીના એક વેપારીઓએ વ્યાજખોરો દ્વારા અપાયેલી ધમકી, ગાળો અને ઉંચા વ્યાજના બોજથી પરેશાન થઈ મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, નિતિન પાર્ક સોસાયટી, બ્લોક નં. 15/એ ખાતે રહેતા વેપારી ચેતનભાઈ કાંતિલાલ થોરિયા (ઉ.વ. 35) એ આરોપી ટીનાભાઈ ઉર્ફે વરૂણભાઈ જીવણભાઈ જીલરીયા (રહે. શનાળા, મોરબી) તથા ભાવેશભાઈ રબારી (રહે. મોરબી) વિરુદ્ધ ગુનાની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદ મુજબ, ફરીયાદીના ભાઈએ આશરે દોઢ વર્ષ પહેલા ટીનાભાઈ પાસે રૂ.3 લાખ 30% વ્યાજે લીધા હતા અને અત્યાર સુધીમાં લગભગ રૂ.9 લાખ જેટલું વ્યાજ ચુકવી દીધું હતું. બાદમાં ફરીયાદીના ભાઈએ વધુ રકમ ઉંચા વ્યાજે લીધી હતી અને દર મહિને રૂ.90,000 વ્યાજ આપતા હતા. તેમ છતા, ફરીયાદીએ મુખ્ય રકમ પર 5% વ્યાજ ચૂકવવાની વાત કરી હતી અને તેની અવેજીમાં રૂ.3,50,000 નો બેન્ક ચેક આરોપીને આપ્યો હતો.
સમયસર વ્યાજ ન ચૂકવાતા, આરોપી ટીનાભાઈએ ફરીયાદીને અલગ-અલગ સ્થળે બોલાવી અશ્લીલ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બન્ને આરોપીઓ ફરીયાદીના ઘરની નજીક આવી ગાળો બબડતાં હોવાનો પણ આક્ષેપ છે.
ફરીયાદના આધારે પોલીસએ બંને આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 351(3), 352, 54 તેમજ મનીલેન્ડર્સ એક્ટ-2011 ની કલમ 40 અને 42 હેઠળ ગુન્હો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.




