HomeMorbiહળવદ સગીરા દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો: નરાધમ આદિલને ૨૦ વર્ષની સખ્ત કેદની...
હળવદ સગીરા દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો: નરાધમ આદિલને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી મોરબી પોક્સો કોર્ટ
મોરબી: હળવદ તાલુકામાં વર્ષ ૨૦૨૩માં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જવાના અને તેની પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી આદિલ બાવનીયાને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદ અને દંડની સજા સંભળાવી છે.
મળતી માહિતી મુજબ, ૧૫ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ આરોપી આદિલ રહીમભાઈ બાવનીયા (રહે. રાવળીયાવદર, ધ્રાંગધ્રા) ફરીયાદીની ૧૬ વર્ષની સગીર ભત્રીજીને તેના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. ત્યારબાદ અલગ-અલગ સ્થળોએ લઈ જઈ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં મદદગારી કરનાર ઈકો ગાડીના ચાલક સામે પણ ગુનો નોંધાયો હતો. હળવદ પોલીસે આ મામલે ગુના રજી. નં. ૮૫૩/૨૦૨૩ થી તપાસ હાથ ધરી હતી.
મોરબીના સ્પેશિયલ જજ (પોક્સો કોર્ટ) કમલ રસીકલાલ પંડયાએ પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી મુખ્ય આરોપી આદિલને સજા ફટકારી છે: પોક્સો એક્ટ હેઠળ: કલમ ૪ અને ૬ મુજબ ૨૦ વર્ષની સખ્ત કેદ અને રૂ. ૫,૦૦૦નો દંડ, દુષ્કર્મ માટે (IPC 376): ૧૦ વર્ષની સખ્ત કેદ અને દંડ, અપહરણ માટે (IPC 363): ૦૩ વર્ષની સખ્ત કેદ અને દંડ.
મહત્વનો નિર્ણય: આ તમામ સજાઓ આરોપીએ એકસાથે ભોગવવાની રહેશે. જો દંડ ન ભરે તો વધારાની જેલ સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે.
ભોગ બનનારને રૂ. ૪.૨૫ લાખનું વળતર: ન્યાયાધીશે માનવીય અભિગમ દાખવતા ભોગ બનનાર સગીરાને થયેલા અન્યાય સામે રૂ. ૪,૨૫,૦૦૦ (ચાર લાખ પચ્ચીસ હજાર) વળતર પેટે ચૂકવવાનો જિલ્લા કાનુની સેવા સત્તા મંડળને આદેશ કર્યો છે.
કેસમાં મદદગારીનો આરોપ ધરાવતા ઈકો ગાડીના ચાલક જયેશભાઈ હરીભાઈ રાઠોડને કોર્ટે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે. તેમજ ગુનામાં વપરાયેલી ઈકો કાર (GJ 13 CA 5517) અંગે કાયદેસરની કાર્યવાહી કરવા હુકમ કરાયો છે. મોરબી કોર્ટના આ આકરા વલણથી સમાજમાં દાખલો બેસશે અને આવા હીન કૃત્યો કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.