HomeMorbiમોરબીમાં પીવાના પાણી માટે ત્રાહિમામ: ભીમરાવનગરના રહીશોની મનપા કચેરી સામે સામૂહિક આત્મવિલોપનની...
મોરબીમાં પીવાના પાણી માટે ત્રાહિમામ: ભીમરાવનગરના રહીશોની મનપા કચેરી સામે સામૂહિક આત્મવિલોપનની ચીમકી!
મોરબી: શહેરના રોહીદાસપરા પાછળ આવેલા ભીમરાવનગર (વોર્ડ નંબર-૨) વિસ્તારમાં છેલ્લા ૧૫ વર્ષથી પીવાના શુદ્ધ પાણી માટે રહીશો વલખાં મારી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, આખરે રોષે ભરાયેલા સ્થાનિકોએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત પત્ર પાઠવીને ઉગ્ર આંદોલન અને સામૂહિક આત્મવિલોપનની ગંભીર ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિક અગ્રણી પ્રવિણકુમાર શુક્લ દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભીમરાવનગરના રહીશો વર્ષ ૨૦૧૪થી પીવાના શુદ્ધ પાણીની માંગણી કરી રહ્યા છે. આ માટે તંત્રને અલગ-અલગ સમયે અસંખ્ય પત્રો અને પુરાવાઓ પણ આપવામાં આવ્યા છે. રહીશોનો આરોપ છે કે આ વિસ્તાર ગરીબ અને પછાત હોવાના કારણે તંત્ર દ્વારા તેમની સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો પાણી વિના ઠેર-ઠેર ભટકવા મજબૂર બન્યા છે. પૈસા ભર્યા હોવા છતાં કનેક્શન ન આપ્યું! પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે, તારીખ ૨૧/૦૮/૨૦૨૫ ના રોજ નવું પાણીનું કનેક્શન લેવા માટે મોરબી મહાનગરપાલિકામાં નિયમ મુજબ પૈસા પણ ભરી દેવામાં આવ્યા છે.
રોહીદાસપરા શેરી નં. ૬ માં આવેલા ૧૦ ઘરોના રહીશોએ કનેક્શન લેવા માટે નાણાં ચૂકવ્યા હોવા છતાં, ચોમાસાનું બહાનું ધરીને આજદિન સુધી કનેક્શન જોડી આપવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ તંત્રને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો ભીમરાવનગરમાં તાકીદે નવી પાણીની લાઇન નાખીને શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે તો રહીશો પાસે આંદોલન સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં. રહીશો દ્વારા ત્રણ દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરવામાં આવશે. જો છતાં પણ ઉકેલ નહીં આવે તો, પાંચમા દિવસે મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે રહીશો સામૂહિક આત્મવિલોપન કરશે, જેની તમામ જવાબદારી શાસકો અને વહીવટી તંત્રની રહેશે.