HomeMorbiમહાકાળી માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી LCBએ રીઢા તસ્કરને રૂ....
મહાકાળી માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: મોરબી LCBએ રીઢા તસ્કરને રૂ. 87 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
માળિયા (મીં.) તાલુકાના નાનાદહીંસરા ગામે આવેલ મહાકાળી માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા એક રીઢા તસ્કરને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલા ચાંદીના છતર, રોકડ રકમ તથા ચોરીમાં ઉપયોગ કરાયેલ વાહન સહિત કુલ રૂ. 87,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, ગત તા. 28 મે 2026ના રોજ નાનાદહીંસરા ગામે આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં અજાણ્યા શખ્સે દિવસ દરમિયાન પ્રવેશ કરી માતાજીને ચડાવાયેલા આશરે 400 ગ્રામ વજનના નાના-મોટા 13 ચાંદીના છતર, જેની કિંમત અંદાજે રૂ. 40,000 થાય છે, તેની ચોરી કરી હતી. ઘટનાને પગલે ગામના ઉપસરપંચે માળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મોરબી LCB તથા પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ, CCTV ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી કાળા રંગની હીરો સ્પ્લેન્ડર બાઈક પર પસાર થતાં કિશનભાઈ સુરેશભાઈ જાની (ઉ.વ. 26), રહે. રવાપર ગામ, બોની પાર્ક, મોરબીને ઝડપી પાડ્યો હતો.
પોલીસ પૂછપરછમાં આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ તેમજ ચોરીમાં ઉપયોગ કરાયેલ બાઈક મળી આવી હતી. આરોપીએ નાનાદહીંસરા મંદિરની ચોરી ઉપરાંત અન્ય ચાર સ્થળોએ પણ ચોરીઓ કર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ આરોપીને વધુ તપાસ માટે માળિયા (મીં.) પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.