HomeMorbiમોરબીમાં કારખાનામાં મોતનો મચ્યો માહોલ: ક્રેનનો પટ્ટો તૂટતાં લોખંડનું પ્લેટફોર્મ શ્રમિકો પર...
મોરબીમાં કારખાનામાં મોતનો મચ્યો માહોલ: ક્રેનનો પટ્ટો તૂટતાં લોખંડનું પ્લેટફોર્મ શ્રમિકો પર ખાબક્યું, એકનું કરુણ મોત
મોરબીના રવીરાજ ચોકડી નજીક આવેલા કારખાનામાં ગંભીર બેદરકારીના કારણે જીવલેણ અકસ્માત સર્જાયો છે. સાયલો પર ચડાવવામાં આવી રહેલું ભારે લોખંડનું પ્લેટફોર્મ ક્રેનનો પટ્ટો તૂટી જતાં નીચે પડ્યું હતું, જેમાં એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું જ્યારે ત્રણ અન્ય શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે બે ક્રેન ઓપરેટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ મોરબીની ત્રાજપર ચોકડી ડાયમંડ કારખાનાના લેબર ક્વોટરમાં રહેતા વિવેકભાઈ વિજયભાઈ રાજભર (ઉ.વ.૨૦) એ આરોપી સાઈ ક્રેન સર્વિસના બે ક્રેન ઓપરેટરો તથા તપાસમા ખૂલે તે તમામ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના ભાઇ સંતોષભાઇ વિજયભાઇ રાજભર (ઉ.વ ૪૦) નાઓ મોરબીની રવિરાજ ચોકડી પાસે રાજકોટ કંડલા બાયપાસ ઉપર આવેલ એ&જે માઈક્રોન્સ નામના કારખાનામા સાયલો પર લોખંડનુ વજનદાર પ્લેટફોર્મ ચઢાવવાના કામમા અન્ય લેબર સાથે મદદમા હાજર હોય ત્યારે કારખાનામા આ કામ માટે આવેલ સાઇ ક્રેન સર્વિસના બે હાઇડ્રો ક્રેનના ઓપરેટરો પ્લેટફોર્મને બે પટ્ટા ક્રેન સાથે બાંધી ઉચકતા હતા ત્યારે ઓપરેટરોની બેદરકારીના કારણે તથા ક્રેન જેવા યાંત્રિક મશીન સાથે નબળા અથવા ખરાબ પટ્ટાથી કામ કરવાના લીધે એક પટ્ટો તુટી જવાથી અકસ્માતે લોખંડનુ વજનદાર પ્લેટફોર્મ નીચે પડવાથી ફરીયાદીના ભાઇ સંતોષભાઇ તથા અન્ય લેબર (૧) ભીમ મહંતો તથા (૨) ઉપેન્દર મહંતો તથા (૩) અસલમ હનીફભાઇ નાઓને માથામા તથા શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ કરી તેમજ ફરીયાદીના ભાઇ સંતોષનુ મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.