HomeMorbiમોરબીના સરદારબાગ પાસે રખડતા કુતરાઓનો આતંક યથાવત, અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય

મોરબીના સરદારબાગ પાસે રખડતા કુતરાઓનો આતંક યથાવત, અનેક રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય

સ્વામિનારાયણ મંદિર વાળી શેરીના રહેવાસીઓએ મહાનગરપાલિકા કમિશ્નરને ફરી લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી.

મોરબીના સરદારબાગ નજીક સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં છેલ્લા કેટલાક મહિનાથી રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો હોવાનું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું છે. અનેક લેખિત અને મૌખિક રજૂઆતો છતાં સ્થિતિમાં કોઈ સુધારો ન આવતા રહેવાસીઓએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અક્ષર હાઈટ્સ, નારાયણી એપાર્ટમેન્ટ, આસ્થા હોસ્પિટલ અને ઉમા હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં કુતરાઓ લોકો પાછળ દોડી કરડતા અને કરડવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

મોરબી શહેરના શનાળા રોડ પર સરદારબાગ પાસે આવેલી સ્વામિનારાયણ મંદિર વાળી શેરીમાં રખડતા કુતરાઓના વધતા ત્રાસને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રહેવાસીઓએ મોરબી મહાનગરપાલિકા કમિશ્નરને લેખિત રજૂઆત કરી શેરીમાં રખડતા શ્વાનોને પકડી વિસ્તારને મુક્ત કરવાની માંગ કરી છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ, અક્ષર હાઈટ્સ, નારાયણી એપાર્ટમેન્ટ, આસ્થા હોસ્પિટલ, ઉમા હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં છેલ્લા છ-સાત મહિનાથી મોટી સંખ્યામાં રખડતા કુતરાઓ શેરીમાં આશરો લઈ રહ્યા છે. આ કુતરાઓ શેરીમાંથી પસાર થતા લોકો, બાળકો, વૃદ્ધો, રાહદારીઓ તેમજ વાહન ચાલકો પાછળ દોડી બટકા ભરવા તથા બટકા ભરવાના પ્રયાસ કરતા હોવાના બનાવો સામે આવ્યા છે. કેટલાક લોકોને અકસ્માતમાં ઈજાઓ પણ પહોંચી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે.

આ સમસ્યાને લઈ તા.૦૭/૧૧/૨૦૨૫ના રોજ ઇનવર્ડ નં.૭૨૩૬૮ તથા તા.૦૬/૦૧/૨૦૨૬ના રોજ ઇનવર્ડ નં.૮૦૧૦૦ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત અનેક વખત મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ તા.૨૪/૧૧/૨૦૨૫ના રોજ પણ આ જ મુદ્દે અરજી આપવામાં આવી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રખડતા કુતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને કરડવાના બનાવો વધુ ગંભીર બની રહ્યા છે. જેના કારણે વિસ્તારના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. રહેવાસીઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે તંત્ર આ મામલે જાણી-જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે? અંતે શેરીવાસીઓએ મહાનગરપાલિકા તંત્રને તાત્કાલિક શ્વાન પકડવાની કાર્યવાહી હાથ ધરી લોકોના જીવ અને સલામતીની ચિંતા દૂર કરવા અપીલ કરી છે. આ સાથે સ્થાનિકોએ જણાવ્યું કે, જો ઉપરોક્ત બાબતે સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

RELATED ARTICLES

Most Popular