HomeMorbiમોરબીમાં ‘સસ્તા ભંગાર’ની લાલચ આપી રૂ.15.98 લાખની ઠગાઈ સાયબર ક્રાઈમ પોલીસે ગેંગના...
મોરબીમાં ‘સસ્તા ભંગાર’ની લાલચ આપી રૂ.15.98 લાખની ઠગાઈ સાયબર ક્રાઈમ પોલીસે ગેંગના 4 આરોપીઓને દબોચ્યા
મોરબીમાં સસ્તા ભાવે કોપર વાયરનો ભંગાર આપવાની લાલચ આપી વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લેતી ગેંગનો પર્દાફાશ થયો છે. વેપારીને ભંગારના ફોટા મોકલી વિશ્વાસમાં લીધા બાદ એડવાન્સ પેમેન્ટના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટમાં રૂ.15.98 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરાવી માલ આપ્યા વગર છેતરપિંડી આચરવામાં આવી હતી.
મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ મળતાની સાથે જ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સીસના આધારે તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે નિતેષભાઈ લાભુભાઈ કુંઢીયા, ઈરફાન કાસમભાઈ ઉઠમણા, વાહીદ આદમભાઈ ઠેબા અને કમલેશ ઉર્ફે મયુર જગજીવનભાઈ સીંદલની અટકાયત કરી છે.
આરોપીઓ પાસેથી છેતરપિંડીમાં ગયેલી રકમમાંથી રૂ.10.50 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વેપારીને કોપર વાયરનો ભંગાર આપવાની વાત કરી કુલ રૂ.15,98,720નું એડવાન્સ પેમેન્ટ અલગ-અલગ બેંક ખાતામાં કરાવવામાં આવ્યું હતું. બાદમાં માલ નહીં મળતા વેપારીએ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી હતી.