HomeMorbiમોરબીમાં પોલીસ કર્મચારીને જ સાયબર ઠગોએ લીધો નિશાન: ગુગલ પરથી કસ્ટમર કેર...
મોરબીમાં પોલીસ કર્મચારીને જ સાયબર ઠગોએ લીધો નિશાન: ગુગલ પરથી કસ્ટમર કેર નંબર શોધવો પડ્યો ભારે, રૂ.94,678ની ઉઠાંતરી
કાર લોનનો હપ્તો ટ્રાન્સફર ન થતાં કસ્ટમર કેરનો નંબર શોધી ફોન કરવો પોલીસ કર્મચારીને ભારે પડ્યો; ભેજાબાજોએ વીડિયો કોલના બહાને UPI પ્રોસેસ કરાવી ખાતામાંથી રૂ.94 હજારથી વધુ ઉપાડી લીધા.
મોરબી શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આનંદકુમાર ભીમજીભાઈ દેગામા સાથે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. કાર લોનના ખાતામાં રૂ.15 હજાર ટ્રાન્સફર કર્યા બાદ રકમ જમા ન થતાં તેમણે ગુગલ પરથી એક્સિસ બેંકનો કસ્ટમર કેર નંબર મેળવી સંપર્ક કર્યો હતો. સામેથી વાત કરનાર શખ્સે વોટ્સએપ વીડિયો કોલ કરીને ફોન-પેમાં UPI ID નાખવાની અને PIN દાખલ કરવાની પ્રક્રિયા કરાવી હતી.
આ પ્રક્રિયા પૂર્ણ કર્યાની થોડી જ મિનિટોમાં તેમના ખાતામાંથી રૂ.75,655 અને રૂ.18,983 મળી કુલ રૂ.94,638 ઉપડી ગયા હતા. સાયબર ફ્રોડની જાણ થતાં તેમણે તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી.
તપાસમાં ઠગાઈની રકમ આસામના બારપેટા ખાતે આવેલી કેનરા બેંકના ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બે મોબાઈલ નંબર ધારકો તેમજ બેંક એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.