HomeMorbiમોરબી પોલીસની ત્વરિત કાર્યવાહી: હળવદમાં બે જૂથ વચ્ચેની અથડામણ બાદ વાતાવરણ થાળે...
મોરબી પોલીસની ત્વરિત કાર્યવાહી: હળવદમાં બે જૂથ વચ્ચેની અથડામણ બાદ વાતાવરણ થાળે પડ્યું, ત્રણ ગુના નોંધાયા
ગુજરાત પોલીસ અને મોરબી જિલ્લા પોલીસની સમયસૂચકતાના કારણે હળવદ ખાતે એક મોટો બનાવ બનતા અટકી ગયો છે. તારીખ ૧૧/૧૦/૨૦૨૬ના રોજ સાંજના સમયે હળવદના લક્ષ્મીનારાયણ ચોક ખાતે વાહનની સાઇડ આપવા બાબતે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. આ ઝઘડાની અદાવત રાખી સામંત ભરવાડ અને તેના સાગરીતોએ મોરબી ચોકડી પાસે મુસ્લિમ સમાજના લોકો પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ મુસ્લિમ સમુદાયના લોકો હથિયારો સાથે આવી સામે પક્ષે હુમલો કરવા જાય તે પહેલા જ પોલીસે સતર્કતા દાખવી મોટો બનાવ બનતો અટકાવી લીધો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક, મોરબી પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે કુલ ત્રણ અલગ-અલગ ગુનાઓ દાખલ કર્યા છે. જેમાં લક્ષ્મીનારાયણ ચોકની ઘટનામાં ૬ આરોપીઓ, મોરબી ચોકડીની ઘટનામાં ૮ આરોપીઓ અને હથિયારો સાથે એકઠા થવાના ગુનામાં ૧૧ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. હથિયાર સાથે ગુનો કરવા જતાં ૧૧ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ – આસીફ અબ્દુલભાઈ ભટ્ટી, શહેજાન રજાકભાઈ ભટ્ટી અને મહમદહનીફ અબુભાઈ ભટ્ટીની પોલીસે અટકાયત કરી લીધી છે.
હાલમાં પવિત્ર નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો હોવાથી વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા અન્ય પોલીસ સ્ટેશનનો વધારાનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ફૂટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ લાવવામાં આવી છે. આ સાથે જ જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે કોઈએ અફવાઓ પર વિશ્વાસ ન કરવો, પરસ્પર ભાઈચારો જાળવવો અને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારના વાંધાજનક કે ઉશ્કેરણીજનક મેસેજ અને વીડિયો શેર ન કરવા.