HomeMorbiમોરબીમાં વેલકમ સ્પા પર SOGના દરોડા: બે મહિલા કર્મચારીઓના બાયોડેટા જમા ન...
મોરબીમાં વેલકમ સ્પા પર SOGના દરોડા: બે મહિલા કર્મચારીઓના બાયોડેટા જમા ન કરાવ્યા, સંચાલક સામે ગુનો
જાહેરનામાના ભંગ બદલ સ્પા સંચાલકની સ્થળ પરથી અટકાયત
મોરબીમાં સ્પા સેન્ટરો પર પોલીસની નજર વચ્ચે જૂના ઘૂંટુ રોડ પર આવેલા વેલકમ સ્પામાં SOGની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબની શરતોનું પાલન ન થતું હોવાનું સામે આવતાં સ્પા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ત્રાજપર ખારીના નાકે આવેલા શિવશક્તિ કોમ્પલેક્ષના પ્રથમ માળે કાર્યરત વેલકમ સ્પામાં પોલીસ તપાસ દરમિયાન ત્યાં કામ કરતી બે મહિલા સ્પા વર્કરના બાયોડેટા ફોર્મ ભરીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા ન હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત, CCTV કેમેરાના રેકોર્ડિંગની જાળવણીમાં પણ નિયમોનું પાલન ન થયું હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે SOGના પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ રાજાભાઈ મુંધવાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાજકોટના સંત કબીર રોડ પર રહેતા સ્પા સંચાલક શરદકુમાર ધર્મેન્દ્રભાઈ ભોરણીયા (ઉં.વ. 27) સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 223 હેઠળ ગુનો નોંધી સ્થળ પરથી જ અટકાયત કરી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.