HomeMorbiસગાઈ તૂટવાની અદાવતમાં વવાણીયાના ઉર્ષ મેળામાં પિતા પર ધોકા વડે હુમલો, ત્રણ...
સગાઈ તૂટવાની અદાવતમાં વવાણીયાના ઉર્ષ મેળામાં પિતા પર ધોકા વડે હુમલો, ત્રણ શખ્સો સામે ગુનો
મોરબી જિલ્લાના માળીયા તાલુકાના વવાણીયા ગામે સમંશાપીરની દરગાહના ઉર્ષ મેળામાં જૂની સગાઈ તૂટી જવાની અદાવતમાં એક વ્યક્તિ પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મેળામાં બોલાચાલી બાદ ધોકા વડે હુમલો કરી હોઠના ભાગે ઈજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા માળીયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોરબીના પચ્ચીસ વારીયા વિસ્તારમાં રહેતા શેરમામદભાઈ બાબુભાઈ બ્લોચની દીકરીની અગાઉ મોરબીના વિસીપરા વિસ્તારમાં મદીના મસ્જિદ પાસે રહેતા સિંકદર વલીમામદ બ્લોચ સાથે સગાઈ થઈ હતી. જોકે, સિંકદરને દારૂ પીવાની ટેવ હોવાના કારણે પરિવારજનોએ સગાઈ તોડી નાખી હતી. આ બાબતનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, શેરમામદભાઈ પોતાના પરિવારજનો સાથે વવાણીયા ગામે ઉર્ષના મેળામાં ગયા હતા, ત્યારે મેહબુબભાઈ વલીમામદ બ્લોચ, સિંકદર વલીમામદ બ્લોચ અને અરમાન વલીમામદ બ્લોચ ત્યાં આવ્યા હતા. આ દરમિયાન સિંકદરે ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી, જ્યારે અરમાને ધોકા વડે તેમના મોઢા પર ઘા મારતાં હોઠના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ ત્રણેય શખ્સોએ ફરિયાદીના ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે. આ બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે અને હેડ કોન્સ્ટેબલ પ્રભાતભાઈ વશરામભાઈ ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.