HomeMorbiવાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવતે ખેલાયો લોહિયાળ ખેલ
વાંકાનેરના ખીજડીયામાં જૂની અદાવતે ખેલાયો લોહિયાળ ખેલ
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે બે દિવસ પહેલાં થયેલી બોલાચાલીની અદાવતમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. ગામના પાદરમાં આવેલી ‘મોમાઈ ટ્રેડીંગ’ દુકાને બેઠેલા વેપારી સાગરભાઈ મોમભાઈ ડાભી, તેમના પિતા મોમભાઈ ભીમાભાઈ ડાભી અને ભાઈ જયંતીભાઈ ડાભી પર લોખંડના પાઈપ અને લાકડીઓ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી સાગરભાઈ ડાભીના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલાં ગલીમાં થયેલી બોલાચાલીનો ખાર રાખીને ગોપાલ લખમણ સરૈયા, નારણ લખમણ સરૈયા, કેશુર લીલા સરૈયા, મહીપાલ નારણ સરૈયા, મહેશ નારણ સરૈયા, રણછોડ લીલા સરૈયા, ભૂપત લખમણ સરૈયા, પારસ લખમણ સરૈયા અને રતા સરૈયા સહિત નવ શખ્સો હથિયારો સાથે દુકાને ધસી આવ્યા હતા. ગાળો આપી હુમલો કરતાં સાગરભાઈ, તેમના પિતા અને ભાઈને ઈજાઓ પહોંચી હતી. આ ઉપરાંત બોલેરો પીકઅપ ગાડી નં. GJ-36-V-3360માં તોડફોડ કરવામાં આવી હતી.
મારામારી દરમિયાન વચ્ચે પડી બચાવવા ગયેલા ભરતભાઈ પેલાભાઈ ગરીયા, ચંદુભાઈ મેઘાભાઈ ફાંગલીયા અને કુંવરજીભાઈ નવઘણભાઈ ફાંગલીયાને પણ માર મારવામાં આવ્યો હતો. તમામ છ ઈજાગ્રસ્તોને સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોમભાઈ અને જયંતીભાઈને માથામાં ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે મોરબી અને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સાગરભાઈ ડાભીની ફરિયાદના આધારે પોલીસે નવેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.