HomeMorbiમોરબીના રફાળેશ્વર GIDCમાં પેટકોકનો મોટો જથ્થો ઝડપાયો: બિલ વગરના ૩૪,૫૫૦ કિલો કોલસા...

મોરબીના રફાળેશ્વર GIDCમાં પેટકોકનો મોટો જથ્થો ઝડપાયો: બિલ વગરના ૩૪,૫૫૦ કિલો કોલસા સાથે બે શખ્સો પકડાયા,

ટ્રક સહિત રૂ. ૨૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત

મોરબીના રફાળેશ્વર GIDC વિસ્તારમાં પોલીસની તપાસ દરમિયાન ઇમ્પોર્ટેડ પેટકોકના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. જૂના બંધ સીરામીક કારખાનામાંથી મળી આવેલા ૩૪,૫૫૦ કિલો પેટકોક અંગે આધારભૂત બિલ કે પુરાવા રજૂ ન થતાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા છે. આ કાર્યવાહી દરમિયાન ટ્રક સહિત કુલ રૂ. ૨૧.૨૧ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે LCB દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રફાળેશ્વર GIDCમાં જીઓ ગ્રેસ પાછળ આવેલા મીલો ટાઇલ્સ-કાઉન્ટ સીરામીકના જૂના બંધ કારખાનામાં કોલસાના ડેલામાં રાખવામાં આવેલા ઇમ્પોર્ટેડ પેટકોકના જથ્થા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૩૪,૫૫૦ કિલો પેટકોક મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૩,૨૧,૦૦૦ આંકવામાં આવી છે. આ ઉપરાંત રૂ. ૧૫ લાખની ટાટા ટ્રક નંબર GJ-19-GF-0871 પણ કબજે કરવામાં આવી હતી.

પેટકોકના જથ્થા અંગે જરૂરી દસ્તાવેજો રજૂ ન થતાં પોલીસે ચોરી અથવા છળકપટથી મેળવેલા માલની શંકાના આધારે મહેન્દ્ર બાબુલલાલ મેઘવાલ (ઉંમર ૩૮, રાજસ્થાન) અને સોનુકુમાર ઉમેશચંદ્ર વર્મા (ઉંમર ૨૬, બિહાર)ને ઝડપી લીધા છે. બંને સામે BNSSની કલમ ૧૦૫(૧) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરી LCB મોરબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. જાડેજા, પેરોલ સ્ક્વોડના PSI વી.જી. માલાણી તથા પોલીસ સ્ટાફની સંયુક્ત ટીમે પાર પાડી હતી. પેટકોકનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેની ખરીદી-વેચાણ અંગેના દસ્તાવેજો છે કે નહીં તે સહિતની બાબતો તપાસના આધારે સ્પષ્ટ થશે.

RELATED ARTICLES

Most Popular