HomeMorbiવાંકાનેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના મોટા દરોડા: રૂ. ૩૫.૪૯ લાખના વિદેશી દારૂ અને...
વાંકાનેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના મોટા દરોડા: રૂ. ૩૫.૪૯ લાખના વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે રાજસ્થાનના ૪ શખ્સો ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસેથી પસાર થતી ગાડીઓ અને શંકાસ્પદ સ્થળો પર દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ રેઈડ દરમિયાન પોલીસે ૫૫ પેટી (કુલ ૬૫૮ બોટલ) ભારતીય બનાવટનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂ.૧૦,૪૧,૬૭૪/- થાય છે.
આ કાર્યવાહીમાં દારૂના જથ્થા ઉપરાંત એક વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ.૩૫,૪૯,૦૭૪/- નો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના ચિતલવાના તાલુકાના ચાર આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાં શ્રવણકુમાર બુદ્ધરામ બિશ્નોઈ, વિકાસકુમાર સહીરામ બિશ્નોઈ, અશોકકુમાર લધુરામજી બિશ્નોઈ અને રાહુલકુમાર રઘુનાથરામ બિશ્નોઈનો સમાવેશ થાય છે.
આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય ચાર વોન્ટેડ આરોપીઓ—કૈલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ (રહે. જાલોર), સંજીવ (રહે. ગુડગાંવ), વિપુલ (રહે. મોરબી) અને ફોર્ચ્યુનર ગાડીના માલિકને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.