HomeMorbiહળવદમાં કેબલ ચોર ગેંગનો પર્દાફાશ: 7 સાગરીતો ઝડપાયા, રૂ.6.25 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદમાં કેબલ ચોર ગેંગનો પર્દાફાશ: 7 સાગરીતો ઝડપાયા, રૂ.6.25 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ ગામોની સીમમાંથી ઇલેક્ટ્રિક મોટરના કોપર કેબલ વાયર ચોરીના ત્રણ બનાવો નોંધાયા બાદ મોરબી LCB પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

વણશોધાયેલા ગુનાઓની ગંભીરતા ધ્યાને લઈ હાથ ધરાયેલી તપાસમાં LCB ટીમને ગણતરીના સમયમાં સફળતા મળી હતી. હળવદ નજીક વેગડવાવ રોડ પર આવેલા ડમ્પિંગ સ્ટેશન પાછળની અવાવરૂ જગ્યાએથી પોલીસે ચોરીમાં સંડોવાયેલા 6 શખ્સો તેમજ ચોરીનો માલ રાખનાર એક વેપારી સહિત કુલ 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ઝડપેલા આરોપીઓમાં અજય જીવરાજભાઈ કુંઢીયા, ચેતનભાઈ પરબતભાઈ જાગરીયા, નારાણભાઈ ઉર્ફે હિતેશ વાલજીભાઈ રાઠોડ, રાહુલભાઈ અમરતભાઈ ઉધરેજીયા, પ્રવીણ ઉર્ફે દિનેશ મગનભાઈ ધામેચા અને રાહુલ ઉર્ફે પૂચુ બાબુભાઈ ગોહિલ, તમામ રહે. હળવદ તેમજ ચોરીનો માલ રાખનાર સુનિલભાઈ અજીતભાઈ હળવદીયા, રહે. મોરબીનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી 37 કિલોગ્રામ કોપર વાયર રૂ.48,100, સફેદ કલરની ક્રેટા કાર રૂ.5 લાખ તથા અન્ય ચોરીઓમાંથી મેળવેલ 60 કિલોગ્રામ કોપર વાયર રૂ.78,000 મળી કુલ રૂ.6,25,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

કેબલ ચોરીના બનાવો સામે કાર્યવાહી બાદ મોરબી પોલીસે ખેડૂતોને પણ સાવચેતી રાખવા અપીલ કરી છે. ખેતરો અને વાડીઓમાં ઇલેક્ટ્રિક મોટરના કેબલ વાયર ખુલ્લા રાખવાને બદલે અંડરગ્રાઉન્ડ કેબલ અથવા એલ્યુમિનિયમ કેબલનો ઉપયોગ કરવા તથા શક્ય હોય ત્યાં સુધી કોપર કેબલનો ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવી છે. સાથે જ રાત્રિના સમયે વાડી વિસ્તારમાં દેખરેખ રાખવા અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વાહન નજરે પડે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular