HomeMorbiમોરબીવાસીઓ ધ્યાન આપે: પિપળિયા પાસે લેવલ ક્રોસિંગ કામગીરીને પગલે ૧૯ સપ્ટેમ્બરે રાત્રે...
મોરબીવાસીઓ ધ્યાન આપે: પિપળિયા પાસે લેવલ ક્રોસિંગ કામગીરીને પગલે ૧૯ સપ્ટેમ્બરે રાત્રે રસ્તો બંધ, તંત્રે જાહેર કર્યા વૈકલ્પિક રૂટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન હેઠળ આવતા બરવાળા – ડહીંસરા સેક્શનમાં પિપળિયા ખાતે આવેલા લેવલ ક્રોસિંગ નં. ૬૪ (OHE માસ્ટ ક્રમાંક ૪૮/૧૫ અને ૪૮/૧૬ વચ્ચે) પર જરૂરી સમારકામ અને રેલવે કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ગ વપરાશકર્તાઓ, મુસાફરો તેમજ સ્થળ પર કાર્યરત કામદારોની સુરક્ષા અને અકસ્માત રહિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે તા. ૧૯/૦૯/૨૦૨૬ ની મધ્યવર્તી રાત્રે ૨૨:૦૦ કલાકથી તા. ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૦૦ કલાક સુધી (કુલ ૮ કલાક માટે) સ્ટેટ હાઈવે નં. ૨૪ (મોરબી-નવલખી રોડ / NH-151A) પરનો વાહનવ્યવહાર અસ્થાયી ધોરણે બંધ રાખવામાં આવશે.
જાહેર જનતાને ઓછી અસુવિધા થાય અને વાહનવ્યવહારનું સુચારૂ સંચાલન જળવાઈ રહે તે હેતુથી મોરબીના ઈ. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એસ. ગઢવી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)બી અન્વયે સત્તાવાર જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોએ નિયત કરવામાં આવેલા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો અનાદર કે ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તંત્રે જાહેર કરેલા વૈકલ્પિક માર્ગો (ડાયવર્ઝન રૂટ):
૧. પિપળિયા ચાર રસ્તાથી જામનગર તરફ જવા માટે: પિપળિયા ચાર રસ્તા → લુટાવદર → ખાખરાળા → મોરબી બાયપાસ ઓવર બ્રિજ → સનાળા → ટંકારા → જામનગર.
૨. જામનગરથી પિપળિયા ચાર રસ્તા તરફ જવા માટે: જામનગર → ધ્રોલ → લતીપર → ટંકારા → સનાળા → મોરબી બાયપાસ ઓવર બ્રિજ → ખાખરાળા → લુટાવદર → પિપળિયા ચાર રસ્તા.