HomeMorbiટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆત: મચ્છુ-૨ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી આપવા...

ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રજૂઆત: મચ્છુ-૨ ડેમમાંથી શિયાળુ પાક માટે પાણી આપવા માંગ

ટંકારા-પડધરી વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને પત્ર લખીને મચ્છુ-૨ ડેમ કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના હિતમાં એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્યએ સિંચાઈ વિભાગને ખાસ ભલામણ કરી છે કે વિસ્તારના ખેડૂતોને શિયાળુ પાકની ખેતી માટે ડેમમાંથી તુરંત પાણી પૂરું પાડવામાં આવે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે ચોમાસાના અંતિમ તબક્કામાં વરસાદ ખેંચાઈ જવાના કારણે ખેડૂતોના પાક ઉત્પાદનમાં મોટું નુકસાન થવાની સંભાવના ઊભી થઈ છે, જેનાથી તેમની આવકમાં ઘટાડો થઈ શકે તેમ છે. ખેડૂતો આર્થિક સંકટમાં ન મુકાય તે માટે તેમને સિંચાઈની સુવિધા આપવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

સામે પક્ષે, આ ચોમાસા દરમિયાન મચ્છુ-૨ ડેમમાં પૂરતો જીવંત જળજથ્થો ઉપલબ્ધ છે અને ડેમ બે વખત ઓવરફ્લો પણ થઈ ચૂક્યો છે. આ સંજોગોમાં ખેડૂતો શિયાળુ સત્રમાં જીરું અને ઘઉં જેવા મુખ્ય પાકોનું સફળતાપૂર્વક વાવેતર કરી શકે તે માટે મચ્છુ-૨ કમાન્ડ વિસ્તારમાં પાણી છોડવા માટે ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા ધારાસભ્યએ અપીલ કરી છે.

RELATED ARTICLES

Most Popular