HomeMorbiવાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી દેવભાઈ ચૌહાણ પર હુમલો, ૮થી વધુ શખ્સો...
વાંકાનેરમાં જૂની અદાવતનો ખાર રાખી દેવભાઈ ચૌહાણ પર હુમલો, ૮થી વધુ શખ્સો સામે ફરિયાદ
વાંકાનેર શહેરના મિલ કોલોની વિસ્તારમાં રહેતા અને સીટ કવરનો વ્યવસાય કરતા ૨૨ વર્ષીય દેવભાઈ સુરેશભાઈ ચૌહાણ પર જૂના મનદુઃખને લઈને હુમલો થયાની ઘટના સામે આવી છે. આ બનાવમાં આઠથી વધુ શખ્સો સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ દેવભાઈ ચૌહાણ પોતાના મિત્રો સાથે સ્વિફ્ટ કારમાં કારખાનાના ઉદ્ઘાટન પ્રસંગે રાવકી ગામે જઈ રહ્યા હતા ત્યારે મિલ પ્લોટ ફાટક પાસે રહીમ રાયધન, સુમીત કોળી સહિતના શખ્સોએ તેમની કાર રોકી લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ત્યારબાદ દેવભાઈ મિત્રના ઘરે પહોંચ્યા ત્યારે પણ આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને તેમને ઘરની બહાર ખેંચી જઈ માર માર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં દેવભાઈને માથાના ભાગે ટાંકા આવ્યા હતા તેમજ ડાબા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ ફરિયાદમાં નોંધ છે. વાંકાનેર સિટી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.