HomeMorbiટંકારાના વેપારીને શેરબજારમાં બમ્પર નફાની લાલચ ભારે પડી! બનાવટી એપ્લિકેશન મારફતે રૂ.84.80...

ટંકારાના વેપારીને શેરબજારમાં બમ્પર નફાની લાલચ ભારે પડી! બનાવટી એપ્લિકેશન મારફતે રૂ.84.80 લાખની સાયબર ઠગાઈ

ટંકારા: શેરબજારમાં રોકાણ કરીને ટૂંકા સમયમાં મોટો નફો કમાવવાની લાલચ આપીને સાયબર ઠગોએ ટંકારાના જંતુનાશક દવાના વેપારીને રૂ.84.80 લાખનો ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે. ઠગ ટોળકીએ વોટ્સએપ ગ્રુપમાં જોડીને શેરબજારની ટીપ્સ આપવાના બહાને વિશ્વાસ કેળવ્યો હતો અને ત્યારબાદ બનાવટી મોબાઈલ એપ્લિકેશનમાં મોટો નફો થતો હોવાનું દર્શાવી વેપારી પાસેથી તબક્કાવાર લાખો રૂપિયા પડાવી લીધા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ઓફિસ ધરાવતા અને ટંકારા તાલુકામાં જંતુનાશક દવાનું કારખાનું ચલાવતા વિજ્ઞેશભાઈ હસમુખભાઈ પરમારને ફેબ્રુઆરી 2025માં અજાણ્યા નંબર પરથી ‘VIP 2 Investment Alliance Training Group A’ નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ‘GALAD ARAB’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શેરબજારમાં રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં ઓછું રોકાણ કરાવ્યા બાદ એપ્લિકેશનમાં મોટો નફો થતો હોવાનું દર્શાવી વધુ રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા.

એપ્લિકેશનમાં દેખાતા નફા પર વિશ્વાસ મૂકીને વેપારીએ પોતાના બેંક ખાતામાંથી કુલ 21 ટ્રાન્ઝેક્શન મારફતે અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂ.84,80,000 ટ્રાન્સફર કર્યા હતા. જોકે, જ્યારે તેમણે રોકાણ કરેલી મૂડી અને નફાની રકમ પરત માંગવાનું શરૂ કર્યું ત્યારે નાણાં મળ્યા નહોતા અને એપ્લિકેશન પણ બંધ થઈ ગઈ હતી. પોતાની સાથે સાયબર ઠગાઈ થઈ હોવાનું સમજાતાં વેપારીએ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ નંબરના ધારકો, બનાવટી એપ્લિકેશન બનાવનારાઓ તેમજ સંબંધિત બેંક ખાતાધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપતી અજાણી એપ્લિકેશન અને રોકાણની ઓફરથી સાવચેત રહેવાની આ ઘટના ફરી એકવાર ચેતવણી આપે છે.

RELATED ARTICLES

Most Popular