HomeMorbiવાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, બે આરોપી પકડાયા
વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું, બે આરોપી પકડાયા
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર ગેરકાયદેસર ગેસ રીફિલિંગની પ્રવૃત્તિ સામે SOG ટીમે કાર્યવાહી કરી બે સ્થળેથી બે ઇસમોને ઝડપી પાડ્યા છે. સનહાર્ટ સિરામિક સામે પ્રયાગ પ્લાઝા-2માં આવેલી મહાદેવ કિરાણા ભંડાર અને રોલસ્ટાર સિરામિક સામે ખોડિયાર-2 ચેમ્બરમાં આવેલી ઉમી ગેસ એજન્સીમાં દરોડા પાડીને ગેસ રીફિલિંગના સાધનો સહિત મોટી માત્રામાં ગેસના બાટલા કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસે મહાદેવ કિરાણા ભંડારમાંથી રૂ. 1,82,450ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેમાં 81 ખાલી અને 12 ભરેલા ગેસ બાટલા ઉપરાંત ઇલેક્ટ્રિક મોટર તથા વજનકાંટા સહિતનાં સાધનોનો સમાવેશ થાય છે. જ્યારે ઉમી ગેસ એજન્સીમાંથી રૂ. 75,450ની કિંમતના 29 ખાલી અને 5 ભરેલા ગેસ બાટલા સહિત રીફિલિંગનાં સાધનો કબજે કરાયાં હતાં. બંને સ્થળેથી કુલ રૂ. 2,57,900નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
આ કાર્યવાહી દરમિયાન અયાજભાઈ અબ્દુલકરીમભાઈ મેમણ અને અમીનભાઈ અબ્દુલકરીમભાઈ મેમણને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ બે ગુના નોંધી ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગેસના બાટલામાંથી અન્ય બાટલામાં ગેસ ભરવાની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ આગ અને અન્ય અકસ્માતનું જોખમ ઊભું કરી શકે છે. ત્યારે SOGની આ કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.