HomeMorbiમોરબીમાં રૂ. 3.49 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ! કમિશનની લાલચે બેંક ખાતું ભાડે...
મોરબીમાં રૂ. 3.49 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ! કમિશનની લાલચે બેંક ખાતું ભાડે આપ્યું, ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો
મોરબીમાં રૂ. 3.49 કરોડના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોનો મામલો સામે આવતા સાયબર ક્રાઇમ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કમિશન મેળવવાની લાલચમાં બેંક ખાતાનો ઉપયોગ કરવા આપનાર સહિત ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ, અન્ય રાજ્યોના લોકો સાથે સાયબર છેતરપિંડી કરીને મેળવેલી રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાના કાવતરાનો આક્ષેપ છે.
આ કેસમાં નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા (પટેલ), જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેષ ઉર્ફે હિતો દિનેશભાઈ ચાવડા અને ભાવેશભાઈ હરેશભાઈ વઘોરાના નામ સામે આવ્યા છે. ફરિયાદ મુજબ, નિલેશભાઈએ કથિત રીતે પોતાના મળતીયાઓની મદદથી આ નાણાકીય વ્યવહારોનું કાવતરું રચ્યું હતું, જ્યારે જીતેન્દ્રભાઈએ મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવી હતી.
આરોપ છે કે ભાવેશભાઈએ મોરબીના સનાળા રોડ સ્થિત DCB બેંકની શાખામાં પોતાના નામે રહેલું બેંક ખાતું વાપરવા આપ્યું હતું, જેના બદલામાં તેને રૂ. 5,000 કમિશન મળ્યું હતું. જ્યારે મધ્યસ્થી કરનાર જીતેન્દ્રભાઈએ રૂ. 15,000 કમિશન મેળવ્યું હતું, જેમાંથી રૂ. 5,000 ભાવેશભાઈને આપીને બાકીના રૂ. 10,000 પોતાની પાસે રાખ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
તપાસમાં આ બેંક ખાતામાં કુલ રૂ. 3,49,61,073ના વ્યવહારો થયાનું સામે આવ્યું છે. આ રકમ UPI, IMPS અને RTGS મારફતે અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. બીજી તરફ, ‘SAMANVAYA’ અને ‘NCCRP’ પોર્ટલ પરની તપાસ દરમિયાન ગુજરાત અને રાજસ્થાન સાથે સંકળાયેલી ફરિયાદોમાં કુલ રૂ. 74,000ના વ્યવહારોની વિગતો પણ સામે આવી છે.
આ સમગ્ર મામલે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ તથા તપાસમાં સામે આવે તેવા અન્ય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કથિત સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારો, બેંક ખાતાના ઉપયોગ અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.