HomeMorbiમોરબીના રામકૃપા પેટ્રોલ પંપ પર ધમાલ! કાર આગળ લેવા કહેતા ચાર શખ્સોએ...
મોરબીના રામકૃપા પેટ્રોલ પંપ પર ધમાલ! કાર આગળ લેવા કહેતા ચાર શખ્સોએ ફિલરમેનને લાકડીઓથી ફટકાર્યો
મોરબીના વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલ પંપ પર કાર આગળ લેવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના સામે આવી છે. કાર આગળ લેવા કહેતા ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ પેટ્રોલ પંપના ફિલરમેન પર લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, મોરબીના વિસીપરા વિસ્તારમાં વિજયભાઈનગર અંબેડકર સ્કૂલ પાસે રહેતા યુવરાજભાઈ દિલીપભાઈ પરમાર રામકૃપા પેટ્રોલ પંપ પર ફિલરમેન તરીકે નોકરી કરે છે. તેઓ રાત્રિના સમયે ફરજ પર હતા ત્યારે GJ-04-DA-5152 નંબરની કાર પેટ્રોલ પુરાવવા આવી હતી. દરમિયાન પેટ્રોલ ભરવાની નોઝલ કારની ટાંકી સુધી ન પહોંચતા યુવરાજભાઈએ કાર થોડી આગળ લેવા જણાવ્યું હતું. આ સામાન્ય બાબતે કારચાલક સહિત કારમાં સવાર શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરી બોલાચાલી શરૂ કરી હતી.
આટલેથી ન અટકતાં ચારેય શખ્સો બાદમાં પેટ્રોલ પંપ પર પરત આવ્યા હતા અને યુવરાજભાઈ પર લાકડીઓ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત ફિલરમેનને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં મુખ્ય કારચાલક જયભાઈ ભરતભાઈ રાબા તેમજ રાજભાઈ પરમાર, નદીમ શેખ અને વસીમ શેખ (તમામ રહે. મોરબી) વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.