હળવદ તાલુકાના સુંદરગઢ ગામે યુવકના ભાઈને આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેણે કોર્ટ મેરેજ કર્યા હોવાથી આ બાબતનો ખાર રાખી યુવકના ઘરે જઈને ગાળો આપી અપહરણ કરી મોરબી નજીક અજાણી જગ્યાએ લઈ જઈ ધોકાથી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા માંડણભાઈ બેચરભાઈ ખાંભડીયા (ઉ.વ.૩૦)એ આરોપી રાકેશભાઇ લધુભાઇ મોરવાડીયા રહેવાસી-ફુલછાબ સોસાયટી વીશીપરા મોરબી-૨, શૈલેષભાઇ મહાદેવભાઇ માલાસણા રહેવાસી-ફુલછાબ સોસાયટી વીશીપરા મોરબી-૨, સંદીપભાઇ ભુપતભાઇ અગેચાણીયા રહેવાસી-કુંભારવાડો વીશીપરા મોરબી-૨, નિલેશભાઇ સવશીભાઇ અગેચાણીયા રહેવાસી-કુંભારવાડો વીશીપરા મોરબીવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદીના નાનાભાઇ વિષ્ણુભાઇને આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સબંધ હોવાથી કોર્ટ મેરેજ કર્યા હતા, જે બાબતનો ખાર રાખી ચારેય આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઇને ફરીયાદીને બેફામ ગાળો આપી ફરીયાદીને પકડી રાખી આરોપીઓએ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકાથી મારમારી અને જબરદસ્તીથી ટીંગાટોળી કરી સેવરોલેટ ટવેરા ફોરવ્હીલ ગાડીમાં બેસાડી અપહરણ કરી મોરબી નજીક અજાણી જગ્યાએ લઇ જઇ ફરીયાદીને ગાડીમાંથી નીચે ઉતારીને ચારેય આરોપીઓએ વારાફરતી લાકડાના ધોકાથી શરીરે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.




