નજીકના તાજેતરમાં જ જેમના વચ્ચેની ચેલેન્જે સમગ્ર રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો તે બે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઈટાલીયાની ગઈકાલે ગાંધીનગરમાં વિધાનસભા બહાર ઓચિંતી મુલાકાત થઈ હતી. આ દરમિયાન બન્ને વચ્ચે વાતચીત પણ થઈ હતી.
ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મુખ્યમંત્રીની ઓફિસથી બહાર નીકળતા હતા તે દરમિયાન આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઈટાલીયા સાથે તેમની ઓચિંતી મુલાકાત થઈ ગઈ હતી. આ વેળાએ સદભાવના વૃદ્ધાશ્રમના જયેશભાઈ ડોબરીયા તેમજ મિતલ ખેતાણી સહિતના સામાજિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ આ મુલાકાત વિશે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા મારફતે મોરબીનો ગઈકાલનો પ્રોગ્રામ વીડીયો જોયો હતો.
મોરબીના આમ આદમી પાર્ટીની સભામાં મોરબીના નાગરિકે રજૂઆત કરી હતી. આ વેળાએ મોરબીના આમ આદમીના કાર્યકર્તાએ નાગરિકને થપ્પડ ઝીંકી દીધી હતી. આવું અસભ્ય વર્તન આમ આદમીના કાર્યકર્તાએ ન કરવુ જોઈએ એ બાબતે ગોપાલભાઈને વાત કરી હતી.
વધુમાં કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મારે જાહેર જીવનમાં 30 વર્ષ થયા છે મોરબીના નાગરિકો અનેક રજૂઆત ક૨વા મારી પાસે આવે છે. મેં કોઈપણ નાગરિક સાથે અસભ્ય વર્તન કર્યું નથી. તમારો હિસાબ મોરબીની પ્રજા જરૂર ચૂકવશે. મોરબીને બદનામ કરવાનું ખોટી રીતે રહેવા દેજો.

