મોરબી શહેરમાં વ્યાજખોરીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. તાજા બનાવમાં એક યુવકે ઊંચા વ્યાજે લીધેલ નાણાં વ્યાજ સહિત પરત આપ્યા હોવા છતાં વ્યાજખોરએ પઠાણી ઉઘરાણી કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
વિગત મુજબ, મોરબીના શનાળા રોડ પર પંચવટી સોસાયટીમાં રહેતા જય પ્રવીણભાઈ અંબાણી (ઉં. ૩૦) એ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે દિનેશભાઈ ગગુભાઈ મકવાણા (ઉં. ૪૬, રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી, મોરબી) પાસેથી વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કર્યા હોવા છતાં આરોપીએ પઠાણી ઉઘરાણી શરૂ કરી.
આરોપીએ ફરિયાદીના પિતાનું અપહરણ કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ફરિયાદીને પણ ધમકાવી બળજબરીપૂર્વક ચેકો તથા ખેતીની જમીનના દસ્તાવેજોની ફાઇલ કબજે કરી હતી.
આ બનાવને પગલે પોલીસે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૦૮(૫), ૩૫૧(૩), ૩૫૨, ૧૪૦(૨), ૧૧૫(૨) તેમજ નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ની કલમ ૪૦ અને ૪૨ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

