મોરબી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મારામારીના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જાણે મોરબી હવે ગુનાખોરીના મામલે બિહારના પગલે ચાલી રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં શોભેશ્વર રોડ પર જિલ્લા પંચાયત કચેરી નજીક વૃદ્ધ વ્યક્તિ પર ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી શહેરના ભુવેનેશ્વરી પાર્ક, શોભેશ્વર રોડ, જિલ્લા પંચાયત નજીક રહેતા ભાગવતદાસ સરજુદાસ રામાવત (ઉ.વ. 60) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ, આરોપી ભોજાભાઈ કરમણભાઈ ભરવાડ, મનીષભાઈ ભોજાભાઈ ભરવાડ, રાણાભાઈ મલાભાઈ રાતડીયા તથા એક અજાણ્યા શખ્સે ટેબલ રાખવાની બાબતે વૃદ્ધ સાથે તર્ક વિતર્ક કરી ગાળો આપી લાકડી તથા ઢીકાપાટુથી માર માર્યો હતો. ઉપરાંત, આરોપીઓએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
આ બનાવ અંગે પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 352, 351(2)(3), 54 તથા GP એક્ટ કલમ 135 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




