મોરબી તાલુકાના આંદરણા ગામની સીમમાં મોરબી–હળવદ હાઈવે પર બિસ્કોઈન કારખાનાની સામે મળેલી અજાણી સ્ત્રીની સળગાવેલી લાશના વણશોધાયેલા ખૂનનો ભેદ મોરબી એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડે ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે.
ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. હરીશકુમાર શ્યામબરન તિવારીએ નોંધાવી હતી. મૃતક સ્ત્રીની ઉંમર આશરે ૪૫થી ૫૦ વર્ષની હતી. અજાણ્યા ઇસમે ખૂન કરી લાશને આગ ચાંપી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે ટેક્નિકલ તપાસ, CCTV ફૂટેજ અને ખાનગી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પીપળી ગામ પાસે ખાનગી બાતમીના આધારે નાનેશ્વર પંડેરી પંવાર (ઉ.વ. ૪૧, રહે. શિવ પાર્ક, પીપળી, મોરબી)ને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન નાનેશ્વરે કબૂલાત આપી કે પત્ની અને સાસુ સાથેના ઝઘડાઓથી કંટાળી જઈ તેણે પોતાના મીત્ર રાજસ્થાનના રાહુલ ડામોર તથા તેના એક સાથી સાથે મળી સાસુની હત્યા કરી હતી. રાત્રીના ઘરે ગળે ટુપો આપી ખૂન કર્યા બાદ લાશને કોથળામાં ભરી હળવદ-મોરબી રોડ પર લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી.
પોલીસે આરોપી પાસેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ (GJ-01-DN-2721) તથા મોબાઇલ મળી કુલ રૂ. ૫૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. અન્ય બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.




