તહેવારના પવિત્ર દિવસોમાં જ્યારે મોટાભાગના લોકો પરિવાર સાથે દિવાળી ઉજવે છે, ત્યારે કેટલાક કર્મવીરો એવા છે જે સમાજની સુરક્ષા અને સેવા માટે સતત ફરજ બજાવી રહ્યા છે. આ ફરજનિષ્ઠ કર્મવીરોને આદર આપવા મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા દિવાળીના પાવન પર્વે અનોખો અને હૃદયસ્પર્શી “કૃતજ્ઞતા કાર્યક્રમ” યોજાયો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત પોલીસ, ટ્રાફિક વિભાગ, ફાયર બ્રિગેડ, એસ.ટી., રેલવે, નગરપાલિકા તેમજ પેટ્રોલ પંપના કર્મચારીઓને મીઠાઈ આપી તેમની ફરજ પ્રત્યેની સમર્પણભાવના માટે આદર વ્યક્ત કરાયો. ફરજને પૂજા સમજીને સેવામાં તત્પર રહેનારા આ કર્મવીરોના ચહેરા પર ખુશી અને ગૌરવની કિરણો ઝળહળતા દેખાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, “દિવાળી એ ફક્ત ઘરોમાં દીવા પ્રગટાવવાનો તહેવાર નથી, પરંતુ અંતરમાં જ્ઞાન, કરુણા અને માનવતાનો પ્રકાશ જગાવવાનો દિવસ છે. જે લોકો પોતાના સ્વાર્થને છોડીને સમાજ માટે સેવા આપે છે તે જ સાચા અર્થમાં આ તહેવારના પ્રકાશરૂપ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે દિવાળી આપણને ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ યાદ અપાવે છે.
આ પ્રસંગે યંગ ઈન્ડિયા ગ્રુપે ફરજનિષ્ઠ કર્મચારીઓને સન્માનિત કરીને દિવાળીના પ્રકાશપર્વને “માનવતાનો મહોત્સવ” બનાવી દીધો હતો. કાર્યક્રમના અંતે તમામ કર્મવીરોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી તેમની સેવા પ્રત્યે આભાર વ્યક્ત કરાયો.




